ત્રીજા તબક્કામાં એક વાગ્યા સુધી 39.9 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 સીટો પર મતદાન જારી થે. બપોરે એક કલાક સુધી 39.9 ટકા મતદાન નોંધાયું છે. મતદાનના રાજ્યવાર આંકડા અનુસાર બપોરે એક કલાક સુધી પશ્ચિમ બંગાળમાં 43.9 ટકા અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 31.55 ટકા થયું છે. મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સપાપ્રમુખ અખિલેશ યાદવ, રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજોએ આજે મતદાન કર્યું હતું.

ત્રીજા તબક્કામાં આસામમાં 45.88 ટકા, હિહારમાં 36.69 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, દાદરા-નગરહવેલી અને દમણ અને દીવમાં 39.94 ટકા ગોવામાં 49.04 ટકા, ગુજરાતમાં 37.83 ટકા, કર્ણાટકમાં 41.59 ટકા, મધ્ય પ્રદેશમાં 44.67 ટકા, મહારાષ્ટ્રમાં 31.55 ટકા, ઉત્તર પ્રદેશમાં 38.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા મતદાન થયું છે.વડા પ્રધાન મોદીએ ત્રીજા તબક્કામાં મતદાતાઓને વધુ ને વધુ સંખ્યામાં મતદાન કરીને નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે. તેમણે આ અપીલ X પર કરી હતી.

ચંડીગઢ સીટથી કોંગ્રેસ ઉમેદવાર મનીષ તિવારીએ કહ્યું હતું કે ત્રીજા તબક્કાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ જશે કે ભાજપ દક્ષિણમાંથી સાફ થઈ જશે અને ચોથી જૂને ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જે લોકો વોટ જિહાદના નારા લગાવી રહ્યા છે, તેમને પાકિસ્તાનથી જિહાદ કરવાવાળાઓનું સમર્થન પણ પ્રાપ્ત છે. તેઓ વડા પ્રધાન મોદી અને ભાજપની વિરુદ્ધ વોટ જિહાદની વાત કરે છે. હું દેશના લોકોને અપીલ કરું છું કે દેશ તેમને મતથી જવાબ આપશે.

આ સાથે આજના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંહ, મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા પ્રહલાદ જોશી, એસ. પી. બઘેલનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે.