નવી દિલ્હીઃ લંડનમાં કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉનને કારણે ફસાયેલા 326 જેટલા ભારતીયો આજે વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. તેઓ ‘વંદે ભારત ઇવેક્યુએશન મિશન’ હેઠળ એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા ગઈ મધરાત બાદ 12.30 કલાકે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI)ખાતે આવી પહોંચ્યા હતા.
આ પહેલા ગઈ કાલે સાંજે રિયાધથી આશરે 139 જેટલા ભારતીયો રાષ્ટ્રીય એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વંદે ભારત મિશન હેઠળ ચોથા દિવસ દરમ્યાન એર ઇન્ડિયા અને એની સબસિડિયરી એર ઇન્ડિયા એક્સપ્રેસ ભારતીય પેસેન્જરોને યુકે, બંગલાદેશ, ફિલિપિન્સ, અમેરિકા, સિંગાપોર અને ગલ્ફ દેશોમાંથી દેશનાં અનેક શહેરોમાં પરત લાવી રહી છે.
આ કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે એક મિશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારતીય સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે અને મોટા પ્રમાણમાં ‘વંદે ભારત મિશન’ હેઠળ એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સાત મેથી આ માટે ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે.
એર ઇન્ડિયા ગ્રુપ કુલ 64 ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને લાવશે અને આ મિશન હેઠળ ૧૨ દેશોમાં ફસાયેલા 14,૦૦૦ ભારતીયોને પરત લાવશે.