નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીસ્થિત ભારતીય સેનાની રિસર્ચ એન્ડ રેફરલ (RR) હોસ્પિટલમાં 24 વ્યક્તિ મેડિકલ જાંચમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હોવાનું માલૂમ પડ્યું છે. દેશમાં સંક્રમિત થયેલી વ્યક્તિઓમાં સશસ્ત્ર દળના સેવામાં કાર્યરત અને સેવાનિવૃત્ત કર્મચારીઓ સામેલ છે, એવી માહિતી અધિકારીઓએ આપી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બધાને દિલ્હી કેન્ટોનમેન્ટ સ્થિત આર્મીની બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 24 વ્યક્તિઓમાં સેનાના કર્મચારીઓ અને તેમને આશ્રિત વ્યક્તિઓ સામેલ છે. સંક્રમિતોમાં ડોક્ટર અને નર્સ પણ સામેલ છે.
દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 46,433 દર્દીઓની થઈ ગઈ છે. આમાંથી 12,727 લોકો સ્વસ્થ થયા છે અને 1568 લોકોનાં મોત થયાં છે.
ITBPના 45 જવાનો કોરોના પોઝિટીવ
દરમિયાન, ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના 45 જવાનોને પણ કોરોના લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. અધિકારીઓએ કહ્યું કે આ 43 જવાનોને દિલ્હીમાં આંતરિક સુરક્ષાની જવાબદારીઓ સંભાળવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા જ્યારે બે જવાનને દિલ્હી પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ પર મૂકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સીઆરપીએફના 150 જવાનોને કોરોના થયો છે અને બીએસએફના 67 જવાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવી ચૂક્યો છે.