લોન્ગેવાલા (રાજસ્થાન): પશ્ચિમી ક્ષેત્રના સરહદીય જિલ્લાઓમાં કોણાર્ક કોર દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ સાઈક્લોથોનનું આજે 1971 કિલોમીટર પૂરા થતા લોન્ગેવાલા નગરમાં સમાપન કરવામાં આવ્યું. ટીમનું સ્વાગત કર્નલ હેમ સિંહ (સેવાનિવૃત્ત), સેના મેડલ 10 PARA SF દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ 1971ની સાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે ‘ચાચરો છાપામાર’ ટૂકડીના સભ્ય હતા. યુદ્ધ વખતે ભારતીય સેનાએ દુશ્મનો પર એ છાપો માર્યો હતો. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની સુવર્ણ જયંતિ નિમિત્તે આ સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
1971 કિ.મી.ની સાઈક્લોથોન ઝુંબેશના અંતિમ ચરણનું નેતૃત્ત્વ લેફ્ટેનન્ટ જનરલ અનિલ પુરી, સેના મેડલ, વિશિષ્ય સેવા મેડલ, જનરલ ઓફિસર કમાન્ડિંગ, કોણાર્ક કોરે કર્યું હતું. લોન્ગેવાલા નગરમાં રહેતા સેવાનિવૃત્ત લશ્કરી અધિકારીઓ, જવાનોએ કોણાર્ક કોર ટીમના સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ સાઈક્લોથોનની શરૂઆત 26 નવેમ્બર, 2020ના રોજ ગુજરાતના લખપતમાં સીમા ચોકી ખાતેથી કરવામાં આવી હતી.
સાઈક્લોથોનના સંચાલન દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં જુદા જુદા સ્થળોએ અનેક ચિકિત્સા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ સૈનિકો અને એમના પરિવારજનોની ચિકિત્સા તપાસ કરવામાં આવી હતી અને એમને આવશ્યક દવાઓનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સાઈકલચાલકોએ સ્થાનિક લોકોમાં કોવિડ-19 બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનું પણ કામ કર્યું હતું. 1971ના યુદ્ધના દિગ્ગજ અધિકારીઓ તથા અન્ય ભૂતપૂર્વ જવાનોએ લોન્ગેવાલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.