કમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.250નો વધારો

મુંબઈઃ આજથી જ નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર હસ્તકની પેટ્રોલિયમ કંપનીઓએ કમર્શિયલ વપરાશ માટેના (ખાસ કરીને હોટેલ-રેસ્ટોરન્ટમાં વપરાતા) 19 કિલોગ્રામ વજનના રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં સરેરાશ રૂ. 250નો વધારો કર્યો છે. દરેક શહેરમાં આવા સિલિન્ડરની કિંમત અલગ અલગ રહેશે. પેટ્રોલિયમ કંપનીઓએ ગઈ 22 માર્ચે ઘરેલુ રાંધણગેસ (એલપીજી) ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 50નો વધારો કર્યો હતો. હવે આજથી કમર્શિયલ ગેસ સિલિન્ડરોની કિંમત વધારી છે.

મુંબઈમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આજથી વધીને રૂ. 2,205 થઈ ગઈ છે. દિલ્હીમાં નવો ભાવ રૂ. 2,253 છે. કોલકાતામાં રૂ. 2,351માં મળશે જ્યારે ચેન્નાઈમાં રૂ. 2,406માં મળશે.