નવી દિલ્હીઃ કેન્દ્રની સત્તામાં પુનરાગમન કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર હવે ત્રણ તલાક સહિત 10 અધ્યાદેશોને કાયદો બનાવવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા 17મી લોકસભાના પ્રથમ સત્રમાં ત્રણ તલાક સહિત 10 અધ્યાદેશને કાયદો બનાવવાની કવાયત હાથ ધરાશે.
આ અધ્યાદેશ આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. જો 45 દિવસની અંદર આ અધ્યાદેશોને કાયદો નહીં બનાવવામાં આવે તો પછી આ અધ્યાદેશોને ફરી રજૂ કરવા પડશે. ત્રણ તલાક સિવાય જે અધ્યાદેશોને કાયદો બનાવવાની તૈયારી છે તેમાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અધ્યાદેશ, કંપની અધ્યાદેશ, અને અનિયોજિત જમા યોજના પર પ્રતિબંધનો અધ્યાદેશ, આધાર અને અન્ય અધ્યાદેશ, નવી દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર અધ્યાદેશ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ અધ્યાદેશ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અધ્યાદેશ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન અધ્યાદેશનો સમાવેશ થાય છે. આમાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અધ્યાદેશમાં એક કમિટીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને સંચાલિત કરવાની અનુમતિ હશે.
આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ 17મી લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી શરુ થઈ રહ્યું છે. 5 જુલાઈના રોજ મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજુ કરશે. સંસદનું આ નવું સત્ર 40 દિવસ સુધી ચાલશે. આમાં 30 બેઠકો થશે. સંસદ સત્રના પ્રથમ બે દિવસ નવ નિર્વાચિત સાંસદોને શપથ લેવડાવવામાં આવશે.
19 જૂનના રોજ લોકસભાના અધ્યક્ષની પસંદગી થશે. 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે. ત્યાર બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા છે. 4 જુલાઈના રોજ સંસદમાં આર્થિક સર્વેક્ષણ કરવામાં રજૂ કરવામાં આવશે. જેના એક દિવસ બાદ 5 જુલાઈના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ પહેલા ચૂંટણીની જાહેરાત થયાં પૂર્વે મોદી સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.