દેશમાં 15 ટકા ગ્રેજ્યુએટ બેરોજગારઃ અહેવાલ

નવી દિલ્હીઃ દેશમાં રોજગારીને લઈને ચિંતાજનક સ્થિતિ છે. વર્ષ 2019 પછી દેશમાં નિયમિત વેતન નોકરીના સર્જનની ઝડપમાં ઘટાડો થયો છે. એ માટે અર્થતંત્રમાં આવેલી મંદી અને કોવિડ19 રોગચાળાને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે રોગચાળા પછી બેરોજગારી દર રોગચાળાના પહેલાંના દરથી ઓછો છે, પણ ગ્રેજ્યુએશન અને એના વધુ શિક્ષણ હાંસલ કરી ચૂકેલા લોકોમાં 15 ટકાથી વધુ લોકો બેરોજગાર છે, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા 2023 રિપોર્ટ કહે છે.

યુવા ગ્રેજ્યુએટોમાં આ દર વધુ છે. 25 વર્ષથી વયથી ઓછા યુવકોમાં 42 ટકા બેરોજગાર છે. વધુ વયના અને ઓછા શિક્ષિત લોકોમાં બેરોજગારીનો દર માત્ર બે-ત્રણ ટકાની વચ્ચે છે. 25થી 29 વર્ષના ગ્રેજ્યુએટોમાં 22.8 ટકા, 30થી 34 વર્ષના ગ્રેજ્યુએટોમાં 9.8 ટકા, 35થી 39 વર્ષના ગ્રેજ્યુએટોમાં 4.5 ટકા અને 40 વર્ષ કે વધુ વયના ગ્રેજ્યુએટોમાં 1.6 ટકા બેરોજગાર છે.

રિપોર્ટ કહે છે ગ્રેજ્યુએટોને વિલંબથી નોકરીઓ મળી રહી છે. મહિલાઓમાં રોજગારનો દર 2004 પછી અટક્યો છે અથવા ઓછો થયો છે, પણ મહિલાઓમાં આર્થિક દબાણને કારણે સ્વરોજગાર વધ્યો છે. કોવિડ19થી પહેલાં 50 ટકા મહિલાઓ સ્વરોજગારમાં હતી, પણ હવે એ સંખ્યા વધીને 60 ટકા થઈ છે.

જોકે આ સર્વેમાં એવી વાત પણ બહાર આવી છે કે અડધોઅડધ ભારતીયો નોકરીઓમાં સુરક્ષા નથી અનુભવતા. આ સર્વેમાં 47 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે તેઓ નોકરીઓમાં સુરક્ષિત નોકરીઓનો અનુભવ નથી કરી રહ્યા.