નવી દિલ્હી- સરહદો પર થતાં સતત ફાયરિંગ અને મિસાઈલ હુમલાઓથી વાયુસેનાના લડાકૂ વિમાનોને બચાવવા માટે સરકારે પાકિસ્તાન-ચાઈના સરહદ નજીક 110 મજબૂત શેલ્ટર બનાવવાની મંજૂરી આપી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ નિર્માણકાર્ય તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ સેના પોતાના ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્સ અહીં વગર કોઈ ચિંતાએ તૈનાત કરી શકશે. આ શેલ્ટરોમાં સુખોઈ-30 પર રાખી શકાશે.
તમને જણાવી દઈએ કે, હાલ પાક-ચીન સરહદ પર આ પ્રકારના શેલ્ટરોને અભાવે ભારતીય સેનાએ તેમના ફ્રન્ટલાઈન એરક્રાફ્ટને સરહદથી દૂર પાર્ક કરી રાખવા પડે છે. હવે શેલ્ટર બનવાને કારણે આ લડાકૂ વિમાનોને સરહદની એકદમ નજીક તૈનાત કરી શકાશે.
1965માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ તેમના કેટલાક વિમાનોને ગુમાવવા પડયા હતાં. તેમનું કારણ એ હતું કે, આ વિમાનો કોઈ શેલ્ટરના રક્ષણ વગર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યાં હતાં.
1965 પછીથી લડાકૂ વિમાનોના રક્ષણ માટે સરહદ પર આ પ્રકારે શેલ્ટર્સોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી દુશ્મનોના હુમલાથી બચી શકાય. આ શેલ્ટર્સ કાંક્રીટની મોટી દિવાલના બનેલા હોય છે, જે મોટા હુમલા સામે લડાકૂ વિમાનોને બચાવે છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાનોએ ભારતીય સરહદમાં ધુસણખોરી કરવાની કોશિશ કરી હતી. ભારતે વિશ્વને સ્પષ્ટ સંકેત આપ્યો કે, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તે કદી પાછળ નહીં હટે.