ચેન્નાઈ – જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત બેઠકોનો લાભ આપવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને તામિલનાડુની ડીએમકે પાર્ટીએ મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે અને 18 ફેબ્રુઆરી પહેલા જવાબ આપવા કહ્યું છે.
દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે) પાર્ટીની પીટિશન રાજકારણ પ્રેરિત છે એવી એડિશનલ સોલિસીટર જનરલની દલીલને ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચે નકારી કાઢી હતી.
આ પીટિશન ડીએમકે પાર્ટીના આયોજન સચિવે નોંધાવી છે. એમણે દલીલ કરી છે કે આ અનામત કોઈ ગરીબી નાબુદી કાર્યક્રમ નથી, પરંતુ સમાજોના એવા લોકોની ઉન્નતિ કરવા માટેનો એક પ્રકારનો સામાજિક ન્યાય છે જેમને સદીઓથી શિક્ષણ સંસ્થાઓ કે નોકરીઓમાં તક મળતી નથી.
કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસીટર જનરલે એવી દલીલ કરી હતી કે ડીએમકે પાર્ટી તો અમુક ચોક્કસ સમુદાયોની વિરુદ્ધમાં છે અને તે અંગત એજન્ડાને ખાતર જ 10 ટકા આર્થિક અનામત સામે વિરોધ કરે છે.
જોકે હાઈકોર્ટના ન્યાયાધીશોએ એમની દલીલને નકારી કાઢતાં કહ્યું કે દેશનું બંધારણ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ખૂબ પછાત, પછાત તથા અન્ય સમાજો માટે છે. અન્ય સમાજોના વર્ગમાં કયા લોકો આવે છે?
એના જવાબમાં, એડિશનલ સોલિસીટર જનરલે કહ્યું કે અન્ય સમાજો એટલે એ લોકો જેમનો અનામતની કેટેગરીમાં સમાવેેશ કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ કરતા ખરડાને સંસદે આ મહિને મંજૂરી આપી દીધી હતી. ગુજરાત અને ઉત્તર પ્રદેશ રાજ્યોએ તો આ કાયદાનો અમલ શરૂ પણ કરી દીધો છે.