અમરનાથ યાત્રીઓ પર હુમલા માટે ઉપયોગમાં લેવાઈ હતી પીડીપી ધારાસભ્યની ગાડી:NIA

જમ્મુ-કાશ્મીરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની તપાસમાં સામે આવ્યું છે કે જુલાઈ 2017માં અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા હુમલા માટે આતંકિઓએ કથીત રીતે પૂર્વ પીડીપી વિધાયક એજાજ અહમદ મીરની ગાડીનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં 7 લોકોનું મૃત્યું થયું હતું અને આશરે 20 લોકો ઘાયલ થયા હતા.

હુમલો શ્રીનગર જમ્મૂ હાઈવે પર અનંતનાગ નજીક થયો હતો. એનઆઈએના ડીએસપી રવિંદરે આ સંબંધમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એડિશનલ ડીજીપીને પત્ર લખ્યો છે કે મીરનો ઝુકાવ અલગાવવાદિઓ તરફ છે અને અમરનાથ યાત્રિઓ પર હુમલામાં તેમની એક ગાડીનો ઉપયોગ થયો હતો.

તપાસ એજન્સીએ પોલીસ પાસેથી પૂર્વ ધારાસભ્યનો ક્રાઈમ રેકોર્ડ અને ઈન્ટેગ્રિટી રિપોર્ટ માગ્યો છે. મીર દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાની વાચી વિધાનસભા સીટથી ધારાસભ્ય હતા. હુમલાના થોડા દિવસ બાદ પોલીસે મીરના ડ્રાઈવર તોસીફ અહમદ વાણીની ધરપકડ કરી હતી. જમ્મૂ-કાશ્મીર પોલીસના સિક્યોરિટી વિભાગે તોસીફની ડ્યૂટી મીર સાથે લગાવી હતી. ધરપકડના સમયે પોલીસે જણાવ્યું કે તોસીફના સંબંધો આતંકીઓ સાથે છે.

ગત વર્ષે 28 ડિસેમ્બરના એજાઝ અહમદ મીરના પર્સનલ સિક્યોરિટી ઓફિસર તરીકે તેનાત એસપીઓ આદિલ બશીર પોતાના સાથિઓના 7 રાઈફલ અને મીરની પિસ્ટલ ચોરીને ભાગી ગયો હતો. મીરે કહ્યું કે જ્યારે ઘટના ઘટી ત્યારે તે જમ્મુ કાશ્મીરમાં હતા.

ત્યારબાદ આદિલ આતંકી જૂથમાં જોડાઈ ગયો અને તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પણ શેર કર્યા હતા. પોલીસમાં જોડાયા પહેલા આદિલ પીડીપી માટે કામ કરતો હતો અને તે મીરની ચૂંટણી રેલીઓમાં પણ જોડાઈ ચૂક્યો છે. વર્તમાનમાં તે એક્ટિવ મિલિટેન્ટ છે. આદિલના ફરાર થયા બાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સિઓ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં ડ્રાઈવરો સીવાય નેતાઓ અને વીઆઈપીની સુરક્ષામાં તેનાત તમામ એસપીઓને હટાવી દેવામાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યએ ગત વર્ષે કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓને શહીદ ગણાવ્યા હતા. તેમના આ નિવેદન પર ખૂબ હોબાળો થયો હતો અને બીજેપીએ તેમના નિવેદનની આકરી ટીકા પણ કરી હતી અને તપાસની માંગ પણ કરી હતી. મીરે તે સમયે પણ કહ્યું હતું કે હું કોઈપણ તપાસ માટે તૈયાર છું.

જ્યારે મીરને કહેવાયું કે તેમને સોફ્ટ સેપરેટિસ્ટ કહેવામાં આવે છે તેના પર આપત્તિ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે 1994માં તેમના પિતાએ ચૂંટણી લડી હતી અને તે સમયે આ કારણે તેમના પરિવાર પર વિસ્તાર છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મીરે કહ્યું કે અમારો પરિવાર ત્યારથી ચૂંટણી લડી રહ્યો છે અને તે કારણે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એજન્સી તપાસ કરવા ઈચ્છે છે તો કરે પરંતુ મને સોફ્ટ સેપરેટિસ્ટ જેવા નામ ન આપે. આનાથી એજન્સીઓ અને તપાસ પર અમારો વિશ્વાસ કમજોર થાય છે.

ગત વર્ષે નવેમ્બરમાં જ્યારે મીર ધારાસભ્ય હતા ત્યારે પીડીપીએ આરોપ લગાવ્યો હતો કે બીજેપી એનઆઈએ દ્વારા તેમના પર પાર્ટીમાં જોડાવાનું દબાણ બનાવી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે આ મામલાની તપાસ અત્યારે ચાલી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]