નવી દિલ્હીઃ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને બજારોમાં પણ રોનક વધી રહી છે. કોઈ ખુશીનો પ્રસંગ હોય કે તહેવાર, મીઠાઈ દરેકની પસંદ હોય છે. મીઠાઈ વિના કોઈ ભારતીય પરિવાર તહેવારની ઉજવણી કરવાની કલ્પના પણ કરી શકતો નથી. પરંતુ આ વખતે અન્ય ચીજવસ્તુઓની મોંઘવારીની સાથે મીઠાઈના વધતા ભાવ પણ ગ્રાહકોના ખિસ્સા પર ભાર મૂકી રહ્યા છે.
દક્ષિણ ભારતના સામાન્ય લાડુથી લઈને ઉત્તર ભારતની માવાની બરફી, કોલકાતાની પ્રખ્યાત સંદેશ મીઠાઈથી લઈને ઓડિશાના છેના પોડા અને રસગુલ્લા સુધી, દેશભરમાં લગભગ તમામ મીઠાઈઓના ભાવ ગયા વર્ષની સરખામણીએ આ તહેવારોની મોસમમાં સરેરાશ 10થી 15 ટકા વધી ગયા છે. જે દુકાનદારોએ ગ્રાહકો ગુમાવવાના ડરથી અત્યાર સુધી ભાવ વધાર્યા નથી, તેઓએ ઓછા નફાથી સંતોષ માનવો પડી રહ્યો છે. મોંઘવારીનું મુખ્ય કારણ ખાંડ અને દૂધના વધતા ભાવ છે, કારણ કે મીઠાઈ બનાવવામાં આ બંનેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ઓડિશામાં પણ મીઠાઈઓ મોંઘી
ઓડિશામાં તહેવારોની મોસમ પહેલાં રસગુલ્લા, છેના પોડા અને છેના ગાજા સહિત તમામ મીઠાઈઓના ભાવ વધી ગયા છે. છેના, ખાંડ, દૂધ અને વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરના ભાવ વધતાં મીઠાઈ ઉત્પાદકોએ છૂટક કિંમતોમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 25થી રૂ. 30નો વધારો કર્યો છે.
ઉત્કલ મિષ્ટાન્ન વ્યવસાયી સમિતિના પ્રમુખ બિમ્બાધર બેહેરાએ જણાવ્યું હતું કે છેનાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 220 થયો છે, જે છેલ્લા બે-ત્રણ મહિનામાં રૂ. 40 વધ્યો છે.
દક્ષિણ ભારતમાં પણ ભાવવધારાની અસર
તામિલનાડુ હોટેલ્સ એસોસિયેશનના પ્રમુખ અને શ્રી અન્નપૂર્ણા શ્રી ગૌરીશંકર હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર ડી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે ગયા વર્ષની દિવાળીની સરખામણીએ આ વખતે મીઠાઈઓ ઓછામાં ઓછી 15 ટકા મોંઘી થશે. અત્યાર સુધી ખાંડ, તેલ, સૂકા મેવા, કરિયાણાની વસ્તુઓ અને શાકભાજી સહિતની ચીજવસ્તુઓના ભાવમાં 33 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. દિવાળીના કારણે ભાવમાં હજુ વધારો થઈ શકે છે.

ખાંડના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો
ઉદ્યોગ અને અન્ય સ્ત્રોતો પાસેથી મળેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રની ખાંડ મિલોમાંથી નીકળતી ખાંડના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 4300નો ભાવ હતો, જે આ મહિને વધીને રૂ. 5200થી રૂ. 5300 થયો છે.






