નાગપુરઃ અહીંના બાજારગાંવ નામના ગામમાં વિસ્ફોટક પદાર્થો બનાવતી એક કંપનીના કારખાનામાં આજે ભયાનક વિસ્ફોટ થતાં 10 કર્મચારીનાં મરણ થયા છે. આ દુર્ઘટનામાં બીજા અનેક જણ ઘાયલ થયા છે. એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં છ મહિલાનો સમાવેશ થાય છે.
આ કંપનીનું નામ છે સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડ. આજે સવારે લગભગ 9 વાગ્યે આ કંપનીના પ્લાન્ટમાં ભયાનક અવાજ સાથે ધડાકો થયો હતો. આ કંપની ઔદ્યોગિક વિસ્ફોટક પદાર્થો બનાવે છે. સવારે મોર્નિંગ શિફ્ટમાં કર્મચારીઓના આવવાની શરૂઆત થઈ હતી એ જ વખતે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. તેમજ ધડાકો થયો એ વખતે ત્યાં કેટલા કર્મચારીઓ હાજર હતા એ પણ જાણવા મળ્યું નથી. બચાવ અને રાહત કાર્ય બપોર પછી પણ ચાલુ હતું. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિસ્ફોટના આ બનાવની તપાસ કરાવવામાં આવશે.