લખનૌ: ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક બે માળના મકાનમાં અચાનક બ્લાસ્ટ થતાં ઘટના સ્થળ પર જ 10 લોકોના મોત થયાં હતાં જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે, ઈરફાન મન્સુરી નામનો વ્યક્તિ પોતાના મકાનમાં જ ફટાકડા બનાવવા અને વેચવાનું કામ કરતો હતો. તો બીજી તરફ મકાનના પાછળના ભાગમાં કાર્પેટ વણાટનું કારખાનું ચાલતુ હતું. આ સમય દરમિયાન ઘરમાં અચાનક વિસ્ફોટ થયો અને આગ લાગવાથી મોત થયા છે.
ઘટનામાં ઈરફાન મન્સુરી સહિત 10 લોકોના મોત થયાં છે. પોલીસે મકાનના કાટમાળ નીચેથી મૃતકોના શબ કાઢ્યાં હતાં. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, આજુબાજુની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે, ઉપરાંત લોકોના શબ અને મકાનમાં રહેલો સામાન 400 મીટર દૂર સુધી ફંગોળાયો હતો. વિસ્ફોટના અવાજથી આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો માહોલ મચી ગયો હતો. અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બોમ્બ ડિસ્પોઝલ ટુકડી અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.