25મી જાન્યુઆરીના રોજ દેશભરમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે ગણપત યુનિવર્સિટી દ્વારા પણ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણપત યુનિવર્સિટીના આંગણે યોજાયેલા નમો નવ મતદાતા સંમેલન ને સંબોધન કરતા ગણપત દાદાએ યુવા વિદ્યાર્થીઓ અને આ વખતની ચૂંટણી અવસરે પ્રથમ વાર મતદાનનો અધિકાર પ્રાપ્ત કરી રહેલા યુવા મતદારોને શીખ આપતા જણાવ્યું હતું કે દેશભરમાં તાજેતરમાં શ્રી રામ મહોત્સવ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયો એમાંથી પણ આપણે શીખવાનું છે. ભગવાન રામના આદર્શને જીવનમાં ઉતારવાના છે. હનુમાનજી પાસેથી વફાદારીના પાઠ શીખવાના છે. હાર્ડ વર્કિંગ શીખવાનું છે.
આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના શાસનમાં દેશે ખુબ પ્રગતિ કરી છે એટલે આપણે એમની સાથે રહી શકીએ એમ છીએ. ખરું ને ?
નમો નવ મતદાતા સંમેલનનું આયોજન ગુજરાતના ભારતીય જનતા યુવા મોરચાના મહેસાણા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ અને ગણપત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ભાઈ મયુર પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પણ ખાસ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. એમણે બંનેએ પોતાના વક્તવ્યમાં નવા મતદાર તરીકે આ વર્ષે મતદાન કરવા જઈ રહેલા યુવા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અમે તમને એમ કહેવા નથી આવ્યા કે તમે અમને મત આપો પરંતુ એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જેને મત આપો એમને સમજી વિચારીને આપજો કારણ કે તમારા સૌના એક એક મતની કિંમત ખુબ ઊંચી છે. તમે હવે એક જવાબદાર મતદાતા બન્યા છો. તમારો મત ભારતનું ભાવિ નક્કી કરશે.
ગિરીશભાઈ રાજગોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈની તમામ મોટી અને મહાન સિદ્ધિઓને વિગતવાર વર્ણવી અને બિરદાવી હતી. તો મનોજભાઈ ગઢવી સહીત અન્ય કેટલાંક યુવા નેતાઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટી વતી આ સંમેલનના આયોજનને સફળ બનાવવા માટે ફાર્મસી કોલેજના ડીન પ્રોફેસર ડૉક્ટર પી યુ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે યુવા વિદ્યાર્થી મિત્રોએ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના યુવા મિત્રોને કરેલું જાહેર પ્રવચન લાઈવ સાંભળ્યું હતું.