સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ સુરતથી ‘ઉન્નતિ – જેમ્સ એન્ડ જ્વેલરીમાં મહિલાઓનું સશક્તિકરણ’ રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા લોન્ચ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાંથી 1,100થી વધુ મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ગૃહિણીઓ, વિદ્યાર્થીનીઓ અને કારકિર્દી બનાવવા ઇચ્છતી મહિલાઓનો સમાવેશ થાય છે. ઉન્નતિના પ્રથમ તબક્કામાં વિવિધ કૌશલ્ય તાલીમ કોર્સમાં ઓછામાં ઓછી 200 મહિલાઓને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ડાયમંડ એસોર્ટર, પોલિશર, પ્લાનર, જ્વેલરી ડિઝાઇન, CAD, વેક્સ સેટર, મેટલ સેટર, જ્વેલરી પોલિશિંગ અને રિટેલ સેલ્સ સહિતના ક્ષેત્રોમાં તાલીમની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GJEPCના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું હતું કે 2040 સુધી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાના ઉદ્યોગના લક્ષ્યાંકને સાકાર કરવા મહિલાઓની પ્રતિભા અને નેતૃત્વનો સંપૂર્ણ ઉપયોગ જરૂરી છે. ઉન્નતિનો હેતુ મહિલાઓને માત્ર રોજગાર સુધી નહીં, પરંતુ કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વ સુધી પહોંચાડવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉન્નતિને સુરત પૂરતી મર્યાદિત ન રાખીને ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે આગામી તબક્કામાં 10,000 મહિલાઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવા GJEPCને અનુરોધ કર્યો હતો. ગોવિંદ ધોળકિયાએ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવા અને રોજગાર સર્જક બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે GJEPCએ રત્ન કલાકાર પરિચય કાર્ડ પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં 1,000 મહિલા રત્ન કલાકારોને પરિચય કાર્ડ સાથે ₹1 લાખ સુધીનું મફત મેડિકલ વીમાકવચ આપવાની જાહેરાત કરી હતી.
ઉન્નતિ હેઠળ મહિલાઓને પ્રેરણા અને ઓળખ, કૌશલ્ય વિકાસ, નેટવર્કિંગ, વ્યવસાયિક સહાય તથા નેતૃત્વ જેવી પાંચ દિશામાં આગળ વધારવામાં આવશે. કાર્યક્રમમાં પ્રથમ ‘ઉન્નતિ એવોર્ડ’ હેઠળ મહિલાઓ માટે રોજગાર, કૌશલ્ય વિકાસ અને લીડરશિપની તકો ઊભી કરતી કંપનીઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારી મહિલા ઉદ્યોગસાહસિકો, ડિઝાઇનરો, રિટેલ લીડરો અને કારીગરોને પણ એવોર્ડ અપાયા હતા. 50 કંપનીઓ દ્વારા પોતાની કુશળતા માટે નોમિનેટ કરાયેલી મહિલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
સુરતથી શરૂ થયેલું આ પાયલોટ અભિયાન આગામી તબક્કે દેશના અન્ય મોટા જેમ્સ એન્ડ જ્વેલરી ક્લસ્ટરો સુધી લઈ જવાની GJEPCની યોજના છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)




