CM ઠાકરેના રૂ.5,476 કરોડ આર્થિક-પેકેજનો લાભ કોને-કોને?

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે 14 એપ્રિલની રાતથી રાજ્યભરમાં પંદર દિવસ સુધી (1 મેની સવારે 7 વાગ્યા સુધી) ‘જનતા કર્ફ્યૂ’ લાદવાની જાહેરાત કરી છે. લોકો ટોળામાં ભેગા ન થાય એટલા માટે 144મી કલમ લાગુ કરી છે. એટલે કે જાહેર સ્થળે પાંચ કે તેથી વધુ લોકોએ ભેગા થવું નહીં. જોકે પ્રવાસ, સેવાઓ સહિત આવશ્યક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ અપાઈ છે.

ઠાકરેએ આર્થિક રીતે કમજોર વર્ગોના લોકોની મદદ માટે રૂ. 5,476 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા પરિવારો, મહિલાઓ, વૃદ્ધજનો, વિધવાઓ, દિવ્યાંગ લોકો, અનિયોજિત સેક્ટર, રિક્ષાચાલકો, આદિવાસીઓ વગેરેને મળશે.

  1. રૂ. 3,300 કરોડ હાલના આરોગ્ય સવલતીય માળખાને અપગ્રેડ કરવા, મજબૂત કરવા, વિસ્તૃત કરવા માટે કરાશે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે પથારીઓ, ઓક્સિજન પથારીઓ, આઈસીયૂ પથારીઓ, વેન્ટીલેટર્સ વધારાશે, ઓક્સિજન સપ્લાય વધારાશે. રેમડેસિવીર સહિતની દવાઓ મેળવવામાં આવશે.
  2. શિવ ભોજન યોજના અંતર્ગત એવા કેન્દ્રોમાં એક મહિના સુધી દરરોજ મફતમાં બપોરનું ભોજન કરાવાશે.
  3. સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત આવરી લેવાયેલા સાત કરોડ લાભાર્થઓને એક મહિના સુધી 3 કિલો ઘઉં અને બે કિલો ચોખા મફત આપશે.
  4. સંજય ગાંધી નિરાધાર યોજના, શ્રવણબાલ અને વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ લોકો માટેની કેન્દ્રીય યોજનાઓ સહિત અનેક પેન્શન અને સહાયતા યોજનાઓ અંતર્ગત આશરે 35 લાખ લાભાર્થીઓને પ્રત્યેકને બે મહિના માટે એડવાન્સમાં રૂ. 1,000 આપવામાં આવશે.
  5. મહારાષ્ટ્ર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ સાથે રજિસ્ટર થયેલા બાંધકામ ક્ષેત્રના આશરે 12 લાખ મજૂરોને દરેકને રૂ. 1,500 આપવામાં આવશે.
  6. સરકાર પાંચ લાખ ફેરિયાઓને દરેકને રૂ. 1,500 આપશે, આ રકમ સીધી એમના બેન્ક ખાતામાં જમા કરાશે.
  7. આશરે 12 લાખ ઓટોરિક્ષા ડ્રાઈવરોને દરેકને રૂ. 1,500 આપવામાં આવશે.
  8. આશરે 12 લાખ જેટલા આદિવાસી પરિવારોને દરેકને રૂ. 2000 આપવામાં આવશે.