અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી જ વાર હાલ ભારતની મુલાકાતે આવ્યા છે. માત્ર બે દિવસ (24-25 ફેબ્રુઆરી) અને તેમાં પણ 36 કલાક માટેની જ આ વિઝિટ દરમિયાન એમણે અમદાવાદ (સાબરમતી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ), આગરા (તાજમહલ) અને નવી દિલ્હીની મુલાકાત લીધી છે. પરંતુ એ જાણીને આનંદ થશે કે ટ્રમ્પ વર્ષો પહેલાં ઉદ્યોગપતિ તરીકે ભારત આવ્યા હતા.
અબજોપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીતીને અમેરિકાના 45મા પ્રમુખ બન્યા હતા એ પહેલાં દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા તરીકે પ્રખ્યાત હતા. તેઓ અમેરિકા ઉપરાંત દક્ષિણ કોરિયા, તૂર્કી અને દુબઈમાં પ્રોજેક્ટ કરી ચૂક્યા હતા અને ભારતમાં રિયલ એસ્ટેટ અને હોટેલ સેક્ટરમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક હતા. એ માટે તેમણે ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રગણ્ય લોધા ગ્રુપ સાથે સહયોગ કર્યો હતો.
મુંબઈમાં લક્ઝરિયસ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ ‘લોધા ટ્રમ્પ ટાવર’ના સંબંધમાં 2014ના ઓગસ્ટમાં તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. 12 ઓગસ્ટે વરલી વિસ્તારસ્થિત ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે ભારતમાં મૂડીરોકાણ વિશે પોતાની યોજનાઓની વિગત જણાવી હતી.
‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટકે ત્યારે રિયલ એસ્ટેટ મહારથી ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો હતો અને ટ્રમ્પે એનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.
લોધા ગ્રુપ સાથે ભાગીદારી કરવા બદલ મનન કોટકે ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા અને પૂછ્યું હતું કે, ‘તમારો બિઝનેસ મુખ્યત્વે અમેરિકામાં સ્થાયી થયો છે. તમે આગામી પાંચ-દસ વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ભારતને કેટલું મહત્ત્વનું ગણો છો?’ ટ્રમ્પે એનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે ભારતમાં ઘણું મૂડીરોકાણ કરીશું. ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ભારત ઉત્તમ દેશ છે.’ જુઓ એ વખતની વિડિયો ક્લિપ…