CAA: ભાજપ દેશમાં અરાજકતા ઊભી કરવાનો પ્રયત્ન કરે છેઃ પ્રકાશ આંબેડકરનો આક્ષેપ

મુંબઈ – દેશના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડી પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરે આજે એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારિત કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ) સામે હાલ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. એ વિરોધમાં વંચિત બહુજન આઘાડી પણ સામલે થઈ છે. પ્રકાશ આંબેડકરે આજે દાદર ઉપનગરના પૂર્વ ભાગના દાદર ટીટી સર્કલ વિસ્તારમાં વિરોધ-મોરચાનું આયોજન કર્યું હતું. એમાં તેમણે આંદોલનકારીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જે ડીટેન્શન કેમ્પ (સેન્ટર)ની જે પદ્ધતિ લાવી છે એ બ્રિટિશરોએ લાવેલી પદ્ધતિ જેવી જ છે.

આ કાયદાની અવળી અસરો વિશે હજી સુધી યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી. આ કાયદો મુસ્લિમો ઉપરાંત હિન્દુઓને પણ નહીં છોડે. આ કાયદાને કારણે દેશભરમાં 40 ટકા જેટલા હિન્દુઓને પણ માઠી અસર થશે. શું સરકારમાં હિંમત છે એ 40 ટકા હિન્દુઓની ધરપકડ કરવાની? એવો સવાલ પ્રકાશ આંબેડકરે કર્યો હતો.

આંબેડકરે કહ્યું કે, સીએએ અને એનઆરસીથી સૌથી વધારે ખરાબ અસર આદિવાસી, વંચિત જાતિ અને ભટકતી જનજાતિઓને થશે. આ ઝઘડો હિન્દુ-મુસ્લિમનો નથી. આ લડાઈ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની વિચારધારાની નાગરિકતા અને બંધારણીય નાગરિકતા વચ્ચેની છે.

વિરોધ-સભા વખતે એકત્ર થયેલા કાર્યકર્તાઓએ સીએએ અને એનઆરસી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.