મુંબઈ – ઈનામ સિક્યૂરિટીઝ ગ્રુપના ચેરમેન વલ્લભ ભણસાલી ઉદ્યોગક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, વેન્ચર કેપિટાલિસ્ટ તરીકે તો જાણીતા છે, સાથોસાથ, જિંદગી પ્રત્યેના વ્યવહારુ અભિગમ વિશેના એમના વિચારો પણ એટલા જ કાબિલેદાદ હોય છે.
રોટરી ક્લબ ઓફ ક્વીન સિટી મુંબઈ આયોજિત એક સમ્માન સમારંભમાં એમણે અમુક સરસ વાતો કહી.
એમણે કહ્યું કે, જે લોકો કૃતજ્ઞપણું (ઉપકારની લાગણી) દર્શાવવામાં પાવરધા હોય છે તેઓ સૌથી મજાનાં માનવીઓ કહેવાય.
‘તમે કોઈના માલિક નથી. તમારી આદત તમારી માલિક હોય છે, જે બીજાંઓને આનંદ અને પ્રેમથી પારખવાની તમારી ક્ષમતા પર સવાર થઈ જતી હોય છે,’ એમ ભણસાલીએ વધુમાં કહ્યું.
વલ્લભભાઈનું કહેવું છે કે, ‘જો તમે ચાર બાબતોને તમારા જીવનમાં ઉતારશો તો તમારી ક્ષમતા તમારી આદતના સકંજામાંથી મુક્ત થઈ જશે અને તમે ખરા અર્થમાં સામર્થ્યવાન અને શાંત બનશો.’
આ ચાર બાબત છેઃ
1. કૃતજ્ઞતા
2. સત્ય
3. સતર્કતા
4. બે વાર વિચારતા શીખો.
બીજું કે, સમય અનુસાર બદલતા રહેવાની તૈયારી રાખો. ભૂતકાળની માન્યતાઓ અને પદ્ધતિઓ જ તમને આગળ વધતાં અટકાવે છે. એ માટે કુદરત જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં એનું નિરીક્ષણ કરો, એમ પણ વલ્લભ ભણસાલીએ એમના વક્તવ્યમાં કહ્યું હતું.