મુંબઈ તા. 15 ફેબ્રુઆરી, 2019: મુંબઈમાં ‘યુ.એસ. કૉન્સ્યૂલેટ જનરલ’નાં 180 વર્ષની ઉજવણી ગઈ કાલે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી કૉન્સ્યૂલેટની હરિયાળી લૉન પર કરવામાં આવી. ‘યુ.એસ. કૉન્સ્યૂલેટ જનરલ’ તથા ‘નમસ્તે અમેરિકા’ દ્વારા આયોજિત આ સમારંભનો આરંભ પુલવામા ટેરર અટેકમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં બે મિનિટના મૌન સાથે થયો. યુ.એસ. કૉન્સલ જનરલ એડગર્ડ કેગનએ ઘાતકી ત્રાસવાદી હુમલાને વખોડી કાઢતાં કહ્યું કે “આ કપરા સમયમાં અમેરિકા ભારતની પડખે છે અને રહેશે”. તો ભારત-અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક-આર્થિક-વેપારી આદાનપ્રદાનની દિશામાં કામ કરતી સંસ્થા નમસ્તે અમેરિકાના પ્રેસિડેન્ટ અતુલ નિશરએ કહ્યું કે “યુ.એસ. કૉન્સ્યૂલેટની મુંબઈમાં 180 વર્ષની ઉપસ્થિતિની આ ઉજવણીના સહભાગી થવાનો અમને આનંદ છે”.
સમી સાંજના આ ઉજવણી-સમારંભની વિશિષ્ટતા હતી પ્રખ્યાત કોરિયોગ્રાફર શામક દાવર તથા એમના ગ્રુપનો પરફોરમન્સ. એમાંય શામક દાવરના ‘વિક્ટરી આર્ટ્સ ફાઉન્ડેશન’ના સભ્યોના પરફોમન્સથી મહેમાનો દંગ રહી ગયા હતા. ‘વિક્ટરી આર્ટ્સ ફાઉન્ડેશન’ દિવ્યાંગ તથા સમાજના નિમ્ન વર્ગમાંથી આવતા નૃત્યપ્રેમીઓને ન માત્ર ડાન્સ શીખવે છે બલકે આવા મોટા સમારંભમાં એમની કલા પ્રદર્શિત કરવાની તક પણ આપે છે.
(તસવીરોઃ દીપક ધુરી)