મુંબઈ – સુપરહિટ ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ની સીઝન-1ની અભિનેત્રી શ્વેતા તિવારીનાં બીજાં પતિ અભિનવ કોહલીની મુંબઈના કાંદિવલી (ઈસ્ટ) પોલીસે ધરપકડ કરી છે.
શ્વેતાએ એનાં પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં, એણે અભિનવ પર આરોપ મૂક્યો છે કે એણે એમની સાવકી દીકરી પલકનો વિનયભંગ કર્યો હતો.
શ્વેતાએ 2013માં અભિનવ સાથે લગ્ન કર્યાં હતાં. આમ તો આ બંને વચ્ચે અનેક વિવાદો થયાં છે, પણ શ્વેતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ હવે કથિત ઝઘડામાં, અભિનવે શ્વેતાની અગાઉનાં પતિથી થયેલી દીકરી પલકને થપ્પડ મારી દેતાં શ્વેતા ચૂપ રહી નથી. કહેવાય છે કે અભિનવે પલકને કોઈક મોડેલની અશ્લીલ તસવીર બતાવી હતી અને અમુક અભદ્ર કમેન્ટ પણ કરી હતી.
શ્વેતાએ પોલીસને જણાવ્યું છે કે અભિનવે દારૂનાં નશામાં એ બધી વાંધાજનક હરકતો કરી હતી.
શ્વેતા રવિવારે મોડી રાતે લગભગ 1 વાગ્યે અભિનવને પોલીસ પાસે લઈ ગઈ હતી અને જ્યાં પોલીસે એને ચાર કલાક સુધી બેસાડી રાખ્યો હતો.
‘જાને ક્યા બાત હૈ’ ટીવી સિરિયલમાં અભિનવ અને શ્વેતાએ સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે ત્યારે જ મિત્રતા બંધાઈ હતી અને એ બાદમાં પ્રેમમાં પરિણમી હતી. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા.
શ્વેતાને એનાં પહેલા પતિ રાજા ચૌધરી વિશે પણ આવી જ ફરિયાદ હતી. 2007માં એણે રાજા વિરુદ્ધ ઘરેલુ હિંસા અને દારૂના નશામાં અણછાજતું વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. એને પગલે બંનેનાં લગ્નજીવનનો અંત આવી ગયો હતો. એ વખતે પલક માંડ બે વર્ષની હતી. શ્વેતાને અભિનવથી એક પુત્ર થયો છે – રેયાંશ. એ ત્રણ વર્ષનો છે.