ભયાનક પૂરમાંથી બચાવનાર નૌકાદળનાં વીર જવાનોને કોલ્હાપુરની મહિલાઓએ રાખડી બાંધી

મુંબઈ – મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ભયાનક પૂરમાં ફસાયેલાં અનેક સ્થાનિક લોકોને પોતાનાં જીવનાં જોખમે બચાવનાર ભારતીય નૌકાદળના જવાનોને એમનાં હાથનાં કાંડા પર કેટલીક મહિલાઓએ રાખડી બાંધી હતી. પોતાનાં તારણહારોને રાખડી બાંધતી મહિલાઓની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. નેટયુઝર્સ ખૂબ જ પ્રભાવિત થયાં છે અને વીર જવાનોની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ભાઈ-બહેનનાં પવિત્ર નિસ્વાર્થ અમર પ્રેમને દર્શાવતો હિન્દુઓનો પરંપરાગત તહેવાર રક્ષાબંધન આવતી 15 ઓગસ્ટે છે.

કોલ્હાપુર જિલ્લાના રાજાપુર ગામમાં આજુબાજુ હજી પણ પૂરનાં પાણી ભરાયેલાં છે અને દૈનિક ચીજવસ્તુઓની તંગી સૌ ગ્રસ્ત થયેલાં છે ત્યારે કેટલીક મહિલાઓએ એમનો, પરિવારજનો તથા આસપાસનાં રહેવાસીઓનાં જાન બચાવનાર સુરક્ષા જવાનો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને એમનાં હાથ પર રાખડી બાંધી હતી.

નૌકાદળનાં જવાનોને રાખડી બાંધતી મહિલાઓની તસવીરો નૌકાદળનાં ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે, જેની નેટયુઝર્સ દ્વારા વ્યાપક રીતે પ્રશંસા કરવામાં આવી રહી છે.

નૌકાદળનાં પ્રવક્તાએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક રેસ્ક્યૂ બોટ પર નૌસૈનિકોને દર્શાવતી ચાર તસવીરો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, કોલ્હાપુરનાં રાજાપુરમાં હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યાં હતાં જ્યારે મહિલાઓએ ભયાનક પૂરમાં જાન બચવાની કોઈ આશા નહોતી એવા સંજોગોમાં એમનું રક્ષણ કરીને ધર્મ બજાવનાર એમનાં ભારતીય નૌકાદળનાં ભાઈઓને રાખડી બાંધી હતી.

ઉલ્લેખનીય છે કે, કોલ્હાપુર જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવા માટે નૌકાદળનાં જવાનોની 15 ટૂકડીઓ પૂરનાં પાણીમાં ઉતરી હતી.

આ ભગીરથ બચાવ તેમજ રાહત કામગીરીમાં નૌકાદળ ઉપરાંત ભારતીય હવાઈ દળ, ભારતીય લશ્કર તેમજ નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સનાં જવાનો પણ સામેલ થયાં હતાં.