મુંબઈમાં કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો જાન્યુઆરીથી શરૂ

મુંબઈઃ શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો આવતા આવતા મહિનાથી શરૂ થશે. આ જાણકારી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી છે. એમણે કહ્યું છે કે આવતા મહિનાથી દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવથી મધ્ય મુંબઈના વરલી સુધી કોસ્ટલ રોડ યોજનાનો પ્રથમ તબક્કો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ 2025માં આ રોડનો બાકીનો તબક્કો ચાલુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 10.58 કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવ્યું છે. આ રોડ પર ટ્રાફિક શરૂ થયા બાદ મુંબઈગરાઓનો ઘણો સમય બચી જશે.

મુંબઈ કોસ્ટલ રોડ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી – મુંબઈ મહાનગરપાલિકા) દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. તે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારને ઉત્તર મુંબઈના કાંદિવલીને જોડશે. આ રોડ સાથે બાન્દ્રા-વરલી સી લિન્કને પણ જોડવામાં આવશે. આ રોડ પ્રોજેક્ટ સંપૂર્ણ શરૂ થઈ ગયા બાદ દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર મુંબઈના વિસ્તારોમાં ન્યૂ લિન્ક રોડ અને એસ.વી. રોડ પર ટ્રાફિક બોજો ઘણો હળવો થઈ જશે.