મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારના આદેશથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હાલ એનો પાંચમો તબક્કો ચાલે છે. આ લોકડાઉનમાં જે તે રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે એની જવાબદારી રાજ્ય સરકારની નક્કી કરવામાં આવી છે. આ જવાબદારી રાજ્ય સરકારના અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સંરક્ષણ મંત્રાલય-વિભાગની છે.
નાગરિકોને અનાજનું વિતરણ કરવાની જવાબદારી સસ્તા અનાજના દુકાનદારોને સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં અનિયમિતતા દાખવવા બદલ અને નિયમોનું પાલન ન કરવા બદલ સમગ્ર મહારાષ્ટ્રમાં ગઈ 23 માર્ચથી 31 મે, 2020 સુધીમાં 483 રેશનિંગ દુકાનોને સસ્પેન્ડ કરવામાં આવી છે, 322 દુકાનદારોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે તેમજ રેશનિંગની 93 દુકાનોના દુકાનદારોની 100 ટકા અનામત રકમ (ડિપોઝીટ) જપ્ત કરવામાં આવી છે.
મુંબઈ શહેરમાં 25 રેશન દુકાનોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને 8 દુકાનદારોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.
રાજ્યના અન્ન, નાગરી પુરવઠા ગ્રાહક સંરક્ષણ પ્રધાન છગન ભુજબળે કહ્યું છે કે હવે પછી રાજ્યમાં રેશનિંગની દુકાનોમાં કાળાબજાર કરનાર, ગ્રાહકોને અનાજનું વિતરણ કરતી વખતે ઓછું અનાજ આપવા કે વધારે પૈસા લઈને નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભુજબળના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે મુંબઈમાં મંત્રાલય ખાતે આ વિભાગના ટોચના અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી.
જૂન મહિનામાં અનાજનું વિતરણ વધારવાનું રહેશે એવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. જે ગરીબ લોકો પાસે રેશનિંગ કાર્ડ ન હોય એમને કેન્દ્ર સરકારની યોજન અંતર્ગત અનાજનું વિતરણ કરવાનું રહેશે. સસ્તા દરની અનાજ દુકાનો માટે વીમા કવચ આપવું જોઈએ, સાર્વજનિક વિતરણ વ્યવસ્થા મુજબ ખાદ્યતેલ, આખા ધાન્ય વગેરેનું વિતરણ કરવા માટે નવી યોજના તૈયાર કરવી, તુવેરદાળ-ચનાદાળ વિતરણનું આયોજન કરવું, શિવભોજન યોજના જેવા વિષયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.
દરમિયાન, કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ઈ-પાસની જે પદ્ધતિ શરૂ કરી છે તે અંતર્ગત ઈ-પાસની મુદત આ જૂન મહિનાના આખર સુધી લંબાવવામાં આવી છે.