મોલ, હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં ‘રસીકરણ-સર્ટિફિકેટ બતાવો, પ્રવેશ કરો’ નિયમ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવાથી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન સાવચેત થઈ ગયું છે. તેણે અનેક નિયંત્રણો લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે મુંબઈમાં શોપિંગ મોલ્સ અને મોટી હોટેલ-રેસ્ટોરન્ટ્સ, ઉપહારગૃહોમાં ‘રસીકરણ સર્ટિફિકેટ બતાવો અને પ્રવેશ કરો’ નિયમનો અમલ શરૂ કરાયો છે. રસીકરણ (કોરોનાવિરોધી રસીના બંને ડોઝ) સર્ટિફિકેટ ન હોય તેમજ, રસી લીધી ન હોય એવા નાગરિકોને મોલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. મહાપાલિકાના નિરીક્ષકોની ટૂકડીઓ અવારનવાર તપાસ કરે છે અને જે મોલમાં આ નિયમનું પાલન ન કરાય એના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે રસીકરણ થયેલા નાગરિકોને જ મોલમાં પ્રવેશ આપવો એવો નિયમ ગયા ઓગસ્ટમાં જ જાહેર કર્યો હતો. પરંતુ ત્યારબાદ કોરોના કેસોની સંખ્યા ઘટી જતાં નિયમના પાલનમાં હળવાશ ઊભી થઈ હતી. પરંતુ હવે રાજ્યમાં ઓમિક્રોનના કેસ ધીમે ધીમે વધી જતાં આ નિયમનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. માત્ર શોપિંગ મોલ જ નહીં, પરંતુ કોફી, બર્ગર, પિઝ્ઝા જેવા ખાદ્યપદાર્થો વેચતી મોટી રેસ્ટોરન્ટ્સ, કે જ્યાં લોકોની ગીરદી થતી હોય છે ત્યાં રસીકરણ સર્ટિફિકેટ હોય એને જ પ્રવેશ આપવાનો નિયમ કડક બનાવાયો છે. દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટ ચેપનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા 100ને પાર ગઈ છે.