શિવસેનાનું હિન્દુત્વ ભાજપના હિન્દુત્વ કરતાં અલગ છેઃ આદિત્ય ઠાકરે

મુંબઈ – શિવસેનાનાં નેતા અને પક્ષની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ એક પુસ્તકમાં એવી દલીલ કરી છે કે હિન્દુત્વ એ શિવસેનાની અનેક પ્રકારની વિચારસરણીઓમાંની એક છે, પણ એ ભાજપના હિન્દુત્વથી અલગ છે.

ધ યન્ગ એન્ડ ધ રેસ્ટલેસ નામના પુસ્તકનાં લેખિકા છે વિદ્યાર્થી-નેતા ગુરમેહર કૌર. આ પુસ્તક દેશના યુવા રાજકીય નેતાઓનાં ઈન્ટરવ્યૂઝની એક શ્રેણી છે. આમાં ઉમર અબ્દુલ્લા, સચીન પાઈલટ, આદિત્ય ઠાકરે અને શેહલા રશીદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે સામાન્ય રીતે, શિવસેનાને જમણેરી ઝોકવાળી પાર્ટી એટલે કે હિન્દુત્વવાદી પાર્ટી તરીકે ગણી લેવામાં આવી છે. હિન્દુત્વ એ અમારી વિચારસરણીઓમાંનું એક છે. પરંતુ અમારું હિન્દુત્વ ભાજપના હિન્દુત્વ જેવું નથી. એ તેનાથી એકદમ અલગ છે.

અમે નાઈટલાઈફ, ઈલેક્ટ્રિક બસો અને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણની વાતો કરનારાઓ છીએ. એટલે અમે એમના કરતાં સાવ અલગ જ છીએ, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકાવવા માટે યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ મોખરાની ભૂમિકા ભજવી હતી. એવી જ રીતે, મુંબઈ ચોવીસે કલાક ધમધમતું રહેવું જોઈએ એટલે કે, ચોવીસ કલાક અને આખું અઠવાડિયું નાઈટલાઈફ રહેવી જોઈએ એ માટે પણ તે આગ્રહ રાખે છે.

લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે સહયોગ કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમારી પાર્ટી ભાજપ સાથે ઘણા મુદ્દે અલગ મત ધરાવે છે, જેમ કે મોબ લિન્ચિંગ અને લોકોને રાષ્ટ્ર-વિરોધી કહેવાના મુદ્દે.

આદિત્યએ કહ્યું કે, અમે લિન્ચિંગની વિરુદ્ધમાં છીએ. અમારું હિન્દુત્વ રાષ્ટ્રપ્રેમી છે. તમે જો સરકાર વિરુદ્ધ બોલો તો તમે રાષ્ટ્ર-વિરોધી નથી. તમારી સરકારને સવાલ પૂછવાનો તમને અધિકાર છે.

28 વર્ષીય આદિત્યને રાજકારણમાં ધર્મ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. એમને પૂછ્યું કે દરેક ચૂંટણી વખતે ભાજપ એવો દાવો કરે કે હિન્દુ ધર્મ પર જોખમ છે. તો શું તમને પણ એવું લાગે છે? જવાબમાં આદિત્યએ કહ્યું કે સરકારે ધર્મ વિશે ચિંતા કરવી જોઈએ એવું હું માનતો નથી. સરકારનું કામ છે દેશનું શાસન સંભાળવાનું. પાર્ટી તરીકે તેઓ ધર્મ વિશે હંમેશાં બોલી શકે છે. એવું અમે પણ બોલીએ છીએ, એ લોકો પણ બોલે છે, દરેક પાર્ટી બોલે છે. દરેક પાર્ટીની વિચારધારા હોય છે. હું એને વોટ બેન્ક રાજકારણ નહીં કહું, કારણ કે વિચારધારા મહત્ત્વની હોય છે. આપણે (હિન્દુઓ) એક જાતિ અને ધર્મ તરીકે સદીઓથી છીએ ત્યારે મારો સવાલ એ છે કે એવું તે તમે કઈ રીતે ધારી લીધું કે જો ભાજપની સરકાર જતી રહે તો બધું બદલાઈ જશે?