જપાન, કોરિયામાં નિફ્ટી આધારિત સાત નવાં ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યાં

મુંબઈઃ વર્ષ 2023માં નિફ્ટી ઇન્ડાસીસને અનુસરતાં સાત નવાં પેસિવ (પરોક્ષ) ફંડ્સ (ઈટીએફ, ઈન્ડેક્સ ફંડ્સ)  જપાન અને કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. એમાંથી છ પ્રોડક્ટ્સ નિફ્ટી 50 અને એક પ્રોડક્ટ નિફ્ટી50 2એક્સ લીવરેજ ઈન્ડેક્સને ટ્રેક કરે છે. આ નવાં પ્રોડક્ટ્સે 55 કરોડ યુએસ ડોલર એકત્ર કર્યા છે.જપાનના ચાર ઈશ્યુનાં નામ દૈવા એસેટ મેનેજમેન્ટ, એનઝેડ એસેટ મેનેજમેન્ટ, ઔ એસેટ મેનેજમેન્ટ અને સુમિટોમો મિત્સુઈ ટ્રસ્ટ એસેટ મેનેજમેન્ટ છે, જ્યારે કોરિયાનાં ત્રણ ફંડ મીરાએ એસેટ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ્સ, સેમસંગ એસેટ મેનેજમેન્ટ અને સેમસંગ એસેટ મેનેજમેન્ટ છે, જેમાંથી સેમસંગ એસેટ મેનેજમેન્ટ નિફ્ટી50 2એક્સ લીવરેજ ઈન્ડેક્સને ટ્રેક કરે છે.

આપણા અર્થતંત્રના વિકાસ અને યુવા વસતિને પગલે ભારતમાં મોટા ગ્લોબલ એસેટ મેનેજર્સ દ્વારા કરાઈ રહેલા મૂડીરોકાણમાં વધારો થઈ રહ્યો છે. તેમણે દેશના મૂડીબજારમાં મૂકેલા વિશ્વાસ અને ભરોસા બદલ હું તેમનો આભાર માનું છું. બજારતરફી નીતિઓ માટે સરકાર અને નિયામક સેબીનો પણ આભાર માનું છું. બધા હિતધારકોના સંયુક્ત પ્રયાસ દ્વારા ભવિષ્યમાં આપણે પ્રગતિનાં મોટાં સોપાન સર કરી શકીશું, એમ NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું. અત્યારે, ભારત બહાર નિફ્ટી ઈન્ડાયસીસ આધારિત 21 પેસિવ ફંડ્સ છે. આ ફંડ્સ આઈશેર્સ બ્લેકરોક, ડીબ્લ્યુએસ, ફર્સ્ટ ટ્રસ્ટ, નોમુરા એસેટ મેનેજમેન્ટ સહિતના ગ્લોબલ એસેટ મેનેજર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલાં છે.

છેલ્લાં દસ વર્ષમાં ભારત અને ભારત બહાર નિફ્ટી ઈન્ડાયસીસને ટ્રેક કરતાં ફંડ્સના વહીવટ હેઠળની રકમ (AUM) 2013 નવેમ્બરના એક અબજ યુએસ ડોલરથી વાર્ષિક 53 ટકાના દરે વધીને નવેમ્બર 2023માં 70 અબજ યુએસ ડોલરની થઈ છે.