મુંબઈ – રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ સંગીત પીરસતી કંપનીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાની ગાયકોને પડતા મૂકી દે. પુલવામા જિલ્લામાં 40 ભારતીય સૈનિકોનો ભોગ લેનાર ભયાનક કાર-બોમ્બ હુમલામાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનની સંડોવણી બહાર આવતાં રાજ ઠાકરેની પાર્ટીએ આ વલણ લીધું છે.
મનસે પાર્ટીની ફિલ્મ ક્ષેત્ર માટેની પાંખ – એમએનએસ ચિત્રપટ સેનાનાં વડા અમેય ખોપકરે કહ્યું છે કે અમે મ્યુઝિક લેબલ કંપનીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું બંધ કરી દે.
ખોપકરે કહ્યું છે કે અમે ટી-સીરિઝ, સોની મ્યુઝિક, વીનસ, ટિપ્સ મ્યુઝિક જેવી ભારતીય મ્યુઝિક કંપનીઓને મૌખિક રીતે જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું તાત્કાલિક રીતે બંધ કરી દે. નહીં તો અમે અમારી પોતાની સ્ટાઈલમાં પગલાં લઈશું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભૂષણકુમારની માલિકીની ટી-સીરિઝ કંપનીએ પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતીફ અસલમ સાથે સહયોગ કર્યો હતો.
ખોપકરે એવો દાવો કર્યો છે કે અમારી ચેતવણી બાદ ટી-સીરિઝે રાહત ફતેહ અલી ખાન અને આતીફ અસલમનાં ગીતોને પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધા છે.
2016માં, જમ્મુ-કશ્મીરના ઉરી ક્ષેત્રમાં જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે પણ રાજ ઠાકરેની પાર્ટીએ આ જ રીતે ચેતવણી આપી હતી અને ભારતમાં કામ કરતા તમામ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડી જવાનું કહ્યું હતું. એ ચેતવણીની ધારી અસર પણ થઈ હતી.