મુંબઈ – બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી0એ આખરે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષને 23 એપ્રિલે મુંબઈના વડાલા ઉપનગરના કાલાચૌકી વિસ્તારના શહીદ ભગતસિંહ મેદાન ખાતે જાહેર રેલી યોજવાની પરવાનગી આપી છે.
જોકે રાજ ઠાકરેની પાર્ટીને રેલી યોજવા માટે અલગ તારીખ આપવામાં આવી છે. એમણે 24 એપ્રિલે રેલી કરવાની પરવાનગી માગી હતી, પણ એમને 23 એપ્રિલે રેલી યોજવા કહેવામાં આવ્યું છે.
ઠાકરે અગાઉ 24 એપ્રિલે કાલાચૌકી વિસ્તારમાં અભ્યુદર નગરમાં રેલી યોજવા માગતા હતા.
ચૂંટણી અધિકારીઓએ રાજ ઠાકરેને કહ્યું હતું કે રેલીની પરવાનગી માટે તેમણે સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કરવો. ચૂંટણી પંચે ત્યારે એમને મુંબઈમાં રેલી યોજવાની ના પાડી હતી. એમણે એમ કહ્યું હતું કે તમારી પાર્ટી લોકસભાની ચૂંટણી લડતી નથી એટલે તમને રેલી યોજવા દેવામાં નહીં આવે.
એને કારણે ઠાકરે અને એમનો પક્ષ ભડકી ગયા હતા અને એવી ચેતવણી આપી હતી કે પરવાનગી આપવામાં નહીં આવે તો પણ અમે રેલી યોજીશું.
આખરે પાર્ટીને રેલી યોજવાની મંજૂરી આપી દેવાઈ છે, પરંતુ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મનસે પાર્ટીના એક અધિકારીએ કહ્યું કે રેલી યોજવા મામલે બધા અવરોધો દૂર થયા છે. અમે અમારા પ્લાન મુજબ રેલી યોજીશું. અમે કાલાચૌકી વિસ્તારમાં શહીદ ભગતસિંહ મેદાનમાં રેલી યોજીશું.
મનસેના અધિકારીઓ એ માટે એફ-સાઉથ વોર્ડના કાર્યાલયમાં જઈને સહાયક કમિશનરને મળ્યા હતા અને પરવાનગી માગી હતી.
મનસે પાર્ટી લોકસભા ચૂંટણી લડતી નથી, તે છતાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે જાહેર સભાઓ યોજી છે અને વડા પ્રધાન મોદી તથા ભાજપપ્રમુખ અમિત શાહ વિરુદ્ધ આક્રમક ભાષણ કરે છે. રાજ ઠાકરેની રેલીઓમાં ચિક્કાર ભીડ જમા થતી જોવા મળી છે.