મુંબઈ – મહારાષ્ટ્રના પુણે જિલ્લાના આંબેગાવ તાલુકાના એક ગામમાં આજે એક બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ બાળક એક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો.
એને બચાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને આખરે 16 કલાકની જહેમત બાદ બાળકને બોરવેલમાંથી સહીસલામત રીતે બહાર કાઢવામાં નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોને સફળતા મળી હતી.
થોરાંદળે ગામમાં રહેતો રવિ નામનો છોકરો બુધવારે મોડી સાંજે રમતી વખતે અચાનક બોરવેલમાં પડી ગયો હતો. એણે બૂમાબૂમ કર્યા બાદ તરત જ લોકો ભેગા થઈ ગયા હતા અને રવિને બચાવવાના પ્રયાસો શરૂ થયા હતા. આખી રાત એમાં સફળતા મળી નહોતી, અને બચાવ કામગીરી આજે સવાર સુધી ચાલી હતી.
રસ્તાનું બાંધકામ કરતા એક મજૂરનો પુત્ર રવિ બુધવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. એ બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ અટકી ગયો હતો.
NDRFને આની જાણ કરાતાં એનાં 25 જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બોરવેલમાંથી રવિનો અવાજ સંભળાવાનું ચાલુ હતું. NDRFના જવાનો ધીમે ધીમે ખોદકામ કરતા રહીને રવિના ચહેરા સુધી પહોંચ્યા હતા. એનો ચહેરો દેખાતાં જ સૌનો જીવ હેઠો બેઠો હતો. રવિને ઉપરથી ખોરાક પણ પહોંચાડ્યે રાખવામાં આવ્યો હતો. આટલા કલાકો સુધી રવિના પગ બોરવેલમાં લટકતા રહ્યા હતા.
આખરે NDRFના જવાનોની મહેનત 16 કલાકે રંગ લાવી હતી. જવાનોએ રવિને બહાર કાઢ્યો ત્યારે ત્યાં હાજર અનેક જણ રડી પડ્યા હતા.
જવાનોએ કહ્યું કે બાળક રવિની ઈચ્છાશક્તિ તીવ્ર હતી. જોકે પ્રશાસન દ્વારા ત્વરિત બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવતાં રવિનો જાન બચી શક્યો હતો.
રવિની તબિયત એકદમ ઉત્તમ છે.