મુંબઈઃ એવા અહેવાલો છે કે મુંબઈ, પુણે અને નાગપુર શહેરોમાં આવતી 1 એપ્રિલથી તમામ પ્રોપર્ટી ખરીદીના સોદાઓ પર અધિક 1 ટકો મેટ્રો સેસ લાદવામાં આવશે. જાણીતી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની JLLનું કહેવું છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારી બાદ આ ત્રણેય શહેરોને હજી તો માંડ કળ વળી રહી છે ત્યાં આ મેટ્રો સેસ લાદવાથી રેસિડેન્શિયલ પ્રોપર્ટી બજાર પર માઠી અસર પડશે.
મુંબઈ શહેરે 2019ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં, 2021ના પહેલા ક્વાર્ટરમાં કોવિડ-પૂર્વેનું 96 ટકા પ્રોપર્ટી વેચાણ મેળવ્યું હતું. પુણેમાં તો કોવિડ-પૂર્વેના સમયના આંકડાની સરખામણીમાં 252 ટકા વેચાણ થયું હતું. મુંબઈ અને પુણેમાં 2021ના વર્ષમાં, વર્ષાનુવર્ષ દરે, પ્રોપર્ટી વેચાણમાં અનુક્રમે 30 ટકા અને 130 ટકાનો સુધારો નોંધાયો હતો. ટૂંકમાં, પ્રોપર્ટીની ડીમાન્ડ ફરી વધી રહી છે, પણ હવે જો ગ્રાહકો પર અધિક ખર્ચનો બોજો નાખવામાં આવશે તો સસ્તી કિંમતે ઘર ખરીદનાર તથા મધ્યમ વર્ગનાં ગ્રાહકો પર માઠી અસર થશે.