મુંબઈ – બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ ચાર્લ્સ ત્રણ-દિવસના પ્રવાસ માટે ભારત આવ્યા છે. આજે એમનો જન્મદિવસ છે અને પોતાનો આ 71મો જન્મદિવસ એમણે અહીં શાળાના બાળકોની સાથે મળીને ઉજવ્યો હતો.
ચાર્લ્સે એક સાદગીભર્યા અને ટૂંકા સમારંભમાં 20થી વધારે વિદ્યાર્થીઓ સાથે મળીને બર્થડે કેક કાપી હતી. બાળકોએ એમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે 14 નવેંબરનો દિવસ ‘બાલદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
ચાર્લ્સના જન્મદિવસની ઉજવણીનો સમારંભ દક્ષિણ મુંબઈની ફાઈવ સ્ટાર તાજમહલ હોટેલમાં યોજવામાં આવ્યો હતો.
એ પહેલાં તેમણે તાજ હોટેલમાં જ ભારતના ઉદ્યોગક્ષેત્રના મહારથીઓ સાથે રાઉન્ડ-ટેબલ પરિષદ પણ યોજી હતી.
પરિષદમાં ભારતસ્થિત બ્રિટિશ રાજદૂત ડોમિનિક એસ્કીએ એમનું સ્વાગત કર્યું હતું.
પ્રિન્સ ચાર્લ્સ આ 10મી વાર ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ બુધવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા તથા ગુરુદ્વારા બાંગ્લા સાહિબની મુલાકાતે પણ ગયા હતા.