મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટરો પર આવકવેરાના દરોડાઃ રૂ. 735 કરોડની ગેરરીતિ પકડાઈ

મુંબઈ – આવકવેરા વિભાગે મુંબઈમાં મહાનગરપાલિકા (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બીએમસી)ના સિવિલ કોન્ટ્રાક્ટરોને ત્યાં દરોડા પાડીને ઘણી ભ્રષ્ટ પ્રવૃત્તિઓ અને ગેરરીતિ પકડી પાડી છે.

આવકવેરા વિભાગે ભ્રષ્ટ સિવિલ કોન્ટ્રાક્ટરોના રહેઠાણ તથા ઓફિસો પર, એમ 37 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના મુંબઈ તેમજ સુરત શહેરમાં પણ રહેઠાણ તથા ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ કોન્ટ્રાક્ટરો ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાની ફરિયાદો મળી હતી.

આવકવેરા વિભાગે આ દરોડા દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજી પુરાવા હાંસલ કર્યા છે જેના પરથી માલુમ પડ્યું છે કે કોન્ટ્રાક્ટરોએ મોટા પાયે કરચોરી કરતા હતા અને મની લોન્ડરિંગ પણ કરતા હતા.

સૂત્રોએ કહ્યું કે બીએમસીના અમુક અધિકારીઓના નિવાસો ઉપર પણ આવકવેરા અધિકારીઓ ત્રાટક્યા હતા.

મુંબઈ અને સુરતમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ દરોડાને પગલે તપાસનીશ અધિકારીઓએ બોગસ એન્ટ્રીઓ અને નકલી ખર્ચને લગતા પુરાવા શોધી કાઢ્યા છે. આ ગેરરીતિ રૂ. 735 કરોડ જેટલી થવા જાય છે.

હવે કોન્ટ્રાક્ટરોની આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના લાભાર્થીઓ કોણ કોણ છે એ તપાસનીશ અધિકારીઓ શોધી રહ્યા છે.

આવકવેરા વિભાગને ફરિયાદો મળી હતી કે અમુક કોન્ટ્રાક્ટરોએ લોન વગેરેના રૂપમાં એન્ટ્રી પ્રોવાઈડરો તરફથી એન્ટ્રીઓ મેળવી હતી તેમજ આવક છુપાવવા માટે એકાઉન્ટ બુક્સમાં ખોટા ખર્ચા બતાવ્યા હતા.

એવા કોન્ટ્રાક્ટરોએ બોગસ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. એ કંપનીઓ એન્ટ્રી પ્રોવાઈડરોએ ઊભી કરી હતી. તેઓ લોનના રૂપમાં કે ખર્ચના ખોટા બિલના રૂપમાં ધંધાદારીઓને એન્ટ્રીઓ આપતા હતા.

એન્ટ્રી પ્રોવાઈડર્સના આ કેસમાં બેન્ક છેતરપીંડી અને બનાવટની એક પદ્ધતિસરની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]