મુંબઈ – શહેરના પોલીસ દળમાંથી રાજકારણમાં પ્રવેશેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ઉમેદવારીની આજે શિવસેના તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા શિવસેનાના ઉમેદવાર છે.
શર્માને આજે શિવસેના તરફથી AB ફોર્મ આપવામાં આવ્યું છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અહીં બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે આજે શર્માને આ ફોર્મ સુપરત કર્યું હતું. આનો મતલબ એ કે અગાઉ કરાયેલી અટકળ મુજબ, શર્મા નાલાસોપારા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે એ હવે સ્પષ્ટ થયું છે.
મુંબઈ પોલીસ દળમાં સેવા બજાવ્યા બાદ પ્રદીપ શર્માએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી અને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
ત્યારબાદ ગયા મહિને એમણે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
પ્રદીપ શર્માએ પોલીસ અધિકારી તરીકેની એમની કારકિર્દી દરમિયાન અનેક રીઢા ગુનેગારો, ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ઉત્તર પ્રદેશમાં જન્મેલા પ્રદીપ શર્માનો ઉછેર મહારાષ્ટ્રના ધુળે શહેરમાં થયો હતો.
પ્રદીપ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાલાસોપારા મતવિસ્તારમાં વિકાસકાર્યો ન થયા હોવાથી જ હું ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છું. ઉદ્ધવ ઠાકરેએ મને ત્યાંથી ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. એ મુજબ હું ચૂંટણી લડીશ અને નવા નાલાસોપારાનું નિર્માણ કરીશ.