‘ઝરૂખો’માં ‘કાવ્ય ઉત્સવ’: કવિ હરીશ મીનાશ્રુ, કવયિત્રી સરૂપ ધ્રુવ કાવ્યપાઠ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા સાહિત્યિક સાંજ તરીકે ઓળખાતા બોરીવલીના “ઝરૂખો”ના સંયુક્ત ઉપક્રમે  ૨૬ ઑગસ્ટ, શનિવાર સાંજે ૭.૨૦ વાગ્યે ‘કાવ્ય ઉત્સવ’ કાર્યક્રમનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કવિ હરીશ મીનાશ્રુ અને કવયિત્રી સરૂપ ધ્રુવ

‘ધ્રીબાંગ સુંદર એણી પેરે ડોલ્યા’ અને ‘સુનો ભાઈ સાધો’ જેવા કાવ્યસંગ્રહ આપનાર કવિ હરીશ મીનાશ્રુ તથા ‘મારા હાથની વાત’ અને ‘સળગતી હવાઓ’ જેવા કાવ્યસંગ્રહ આપનાર કવયિત્રી સરૂપ ધ્રુવ આ સાંજે કાવ્યપઠન કરશે તથા શ્રોતાઓ સાથે સંવાદ પણ કરશે. ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જકોમાં આ બંનેની ગણના થાય છે અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જીવનગૌરવ પુરસ્કાર’ એમને આગલી સાંજે મુંબઈમાં અર્પણ થઈ રહ્યો છે.

સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. આ જાહેર કાર્યક્રમમાં સર્વને હાજરી આપવા અકાદમી તથા સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ નિમંત્રણ પાઠવે છે.