‘ભાજપને મત આપશો નહીં’: નસીરુદ્દીન શાહ સહિત 600 ફિલ્મકલાકારોની નાગરિકોને અપીલ

મુંબઈ – હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત 600 જેટલા ફિલ્મ તેમજ રંગભૂમિનાં કલાકારોએ આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપવાની નાગરિકોને અપીલ કરી છે. એમણે કહ્યું છે કે ભાજપ અને એના મિત્ર પક્ષોને સત્તા પરથી દૂર કરવાની હાકલ કરી છે.

આ કલાકારોએ એક આવેદનપત્ર બહાર પાડીને આવી હાકલ કરી છે.

આ આવેદનપત્ર પર નસીરુદ્દીન શાહ ઉપરાંત અમોલ પાલેકર, ગિરીશ કર્નાડ, કોંકણા સેન-શર્મા, રત્ના પાઠક-શાહ, મીતા વશિષ્ઠ, અનુરાગ કશ્યપ, એમ.કે. રૈના, મકરંદ દેશપાંડે, સંજના કપૂર, ડોલી ઠાકોર, મહેશ દત્તાણી, લિલેટ દુબે તથા બીજા અનેક મરાઠી ફિલ્મી સિતારાઓએ હસ્તાક્ષર કર્યા છે.

આ આવેદનપત્ર 12 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે, એવું આર્ટિસ્ટ યુનાઈટેડ ઈન્ડિયા સંસ્થાની સાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

આ કલાકારોએ આવેદનપત્રમાં કહ્યું છે કે ભારતનું બંધારણ ખતરામાં છે એટલે ભાજપને મત આપશો નહીં.

આ કલાકારોએ આવેદનપત્રમાં વધુમાં લખ્યું છે કે, આ વખતની લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસ માટે અત્યંત મહત્ત્વની છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય પણ ખતરામાં છે. જે સ્થળે તર્ક, ચર્ચા અને અસહમતી રજૂ કરાય તો ત્યાં એવી સંસ્થા, યંત્રણાનું ગળું ઘોંટી દેવામાં આવે છે.