મુંબઈ – ચક્રવાતી વાવાઝોડા ‘વાયુ’ને કારણે રખડી પડેલું નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી ત્રણેક દિવસમાં મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાંથી રાજ્યમાં પ્રવેશ કરશે.
ભારતીય હવામાન વિભાગે આવી આગાહી કરી છે.
ચોમાસું આ વર્ષે કેરળમાં જ મોડું પ્રવેશ્યું હતું. ત્યારબાદ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ‘વાયુ’ વાવાઝોડાને કારણે ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ હતી.
સામાન્ય રીતે કેરળમાં 1 જૂને અને મુંબઈમાં 8-10 જૂને ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે કેરળમાં જ એ પાંચ દિવસ મોડું બેઠું હતું.
જૂનનું બીજું પખવાડિયું શરૂ થઈ ગયું છે અને દેશભરમાં વરસાદની ખોટ વધીને 43 ટકા પર પહોંચી ગઈ છે.
સામાન્ય રીતે તો આ સમય સુધીમાં નૈઋત્યનું ચોમાસું દેશના મધ્ય ભાગ સુધી પહોંચી જતું હોય છે, પણ આ વખતે એ દક્ષિણમાં જ અટવાઈ ગયું છે.
‘વાયુ’ વાવાઝોડું દેશના પશ્ચિમી સમુદ્રકાંઠા પર સર્જાતાં ચોમાસું અટકી ગયું હતું, પણ હવે વાવાઝોડાનું જોર નરમ પડી જતાં ચોમાસું ફરી સક્રિય થશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ, આવતી 20-21 જૂન સુધીમાં ચોમાસું કોકણ સમુદ્રપટ્ટા વિસ્તારેથી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે.
કોકણ સહિત મુંબઈમાં છેલ્લા અમુક દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે ‘વાયુ’ વાવાઝોડાને કારણે સર્જાયેલા હવાના નીચા દબાણ લીધે.