મહારાષ્ટ્ર બજેટ-2019: 66 લાખ 88 હજાર ખેડૂતોના ખાતામાં કર્જમાફી રકમ જમા કરાશે

મુંબઈ – મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે રાજ્યનું વર્ષ 2019-20 માટેનું અને ભાજપ-શિવસેના યુતિ સરકારની વર્તમાન મુદતનું આખરી, અતિરિક્ત બજેટ આજે અહીં વિધાનસભામાં રજૂ કર્યું હતું. મુનગંટીવાર સાથે નાણાં ખાતાના રાજ્યપ્રધાન દીપક કેસરકર પણ હતા. મહારાષ્ટ્રમાં આ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે તેથી આ બજેટ હાલની સરકારનું આખરી છે. રાજ્યનું બજેટ રૂ. 20,292 કરોડની મહેસુલી ખાધવાળું છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ જ વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે એટલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના યુતિ સરકાર માટે આ બજેટ મહત્ત્વ ધરાવે છે. રાજ્ય સરકારે ગયા ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે સરકાર સંપૂર્ણસ્તરનું બજેટ રજૂ કરી શકે એમ નહોતી

બજેટની અમુક લોકપ્રિય જાહેરાતો આ મુજબ છેઃ

– મહારાષ્ટ્રમાં આધુનિક ટેક્નોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવાનો પ્રયોગ કરવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી દીધી છે. એ માટે રૂ. 6,410 કરોડની ફાળવણી કરાઈ છે.

– સિંચાઈ ક્ષેત્ર માટે રૂ. 12,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

– ઓબીસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે 36 હોસ્ટેલ શરૂ કરવામાં આવશે

– મહારાષ્ટ્રમાં ચાર કૃષિ યુનિવર્સિટી માટે રૂ. 600 કરોડના ભંડોળની ફાળવણી

– 80 ટકા દિવ્યાંગ થયેલી વ્યક્તિઓને સરકાર દ્વારા ઘરકુળ યોજનાનો લાભ આપવામાં આવશે

– સમૃદ્ધિ મહામાર્ગ બનાવવામાં આવશે, જે 10 જિલ્લાઓમાંથી પસાર થશે. એનું કામકાજ ગઈ 1 જાન્યુઆરીથી શરૂ પણ કરી દેવાયું છે.

– ગોપીનાથ મુંડે શેતકરી વીમા યોજનાનો લાભ હવે અકસ્માતગ્રસ્ત ખેડૂતોના કુટુંબીજનોને પણ મળશે. આ યોજના માટે વધુ 210 કરોડ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 5 કરોડ 50 લાખ લોકોને આવરી લેવામાં આવશે.

– 66 લાખ 88 હજાર ખેડૂતોના બેન્ક ખાતામાં કર્જમાફીની રકમ સીધી જમા કરવામાં આવી રહી છે

– રાજ્યના 26 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 17,985 ગામોનાં 66,88,422 ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલી રકમનો આંક રૂ. 4,461 કરોડ થાય છે.

– વર્ષ 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં 25 હજાર ખેતતળાવ બનાવવામાં આવશે. એ માટે રૂ. 125 કરોડનું ભંડોળ નક્કી કરાયું છે

– મહારાષ્ટ્રમાં 151 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે

– કૃષિ સિંચન યોજના માટે 2,720 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

– રાજ્યમાં 80 તાલુકાઓમાં મુખ્યમંત્રી પશુ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત મોબાઈલ પશુ તબીબી ક્લિનિક્સ સ્થાપવામાં આવશે

– કોકણ વિસ્તારમાં કાજૂ પ્રક્રિયા ઉદ્યોગના વિસ્તાર માટે રૂ. 100 કરોડની ફાળવણી

– વિરોધ પક્ષના સભ્યોએ બજેટનો બહિષ્કાર કર્યો છે, અને તેઓ ગૃહમાંથી સભાત્યાગ કરી ગયા હતા

– વિરોધપક્ષોનો આરોપ છે કે બજેટ વિધાનસભામાં રજૂ કરાય એ પહેલાં જ લીક થઈ ગયું હતું

– સાયન-પનવેલ એક્સપ્રેસવે માટે થાણે ખાડી પર પૂલ-3 બાંધવા માટે રૂ. 775 કરોડ 58 લાખના ભંડોળને મંજૂરી

– 11,332 કરોડની કિંમતના બાન્દ્રા-વર્સોવા સમુદ્રમાર્ગનું કામ પ્રગતિના પંથે છે. કામ પાંચ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય

– મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત 8 હજાર 819 કિ.મી. લંબાઈનું કામકાજ પૂરું થયું

– મહારાષ્ટ્ર વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ અંતર્ગત, હવે રૂ. 1 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા અને વર્ષમાં રૂ. 25 હજાર કે તેથી ઓછી કરવેરા જવાબદારી ધરાવતા વેપારીઓએ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની જરૂર નહીં રહે.

– નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રોજગારની તકો ઊભી કરવા માટે રૂ. 500 કરોડનું ભંડોળ મંજૂર કરાયું છે

– લઘુમતી સમાજોની મહિલાઓ અને યુવાઓને રોજગાર પૂરા પાડવા માટે રૂ. 100 કરોડની ફાળવણી કરાઈ છે.