મુંબઈઃ એક સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે મુંબઈમાં પ્રત્યેક પાંચમી વ્યક્તિ ડાયાબિટીસ રોગથી પીડાય છે. મુંબઈગરાઓને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી સામે સુરક્ષિત રાખવા માટે મહાનગરપાલિકા (BMC)એ વિવિધ ઉપાય યોજના ઘડી છે. આવા દર્દીઓ સારવારની સાથોસાથ, એમને સૂચવાયેલી દવાઓ નિયમિત રીતે લે છે કે નહીં? તેની કાળજી લેવા માટે બીએમસી ‘વોર્ડ રૂમ’ની મદદ લેવાનું છે.
આ ‘વોર રૂમ’માં તૈનાત કરાયેલા ડોક્ટરો ફોન કરીને દર્દીઓને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની દવાઓ સમયસર લે છે કે નહીં તેની તપાસ કરશે. મુંબઈ મહાપાલિકાના બજેટમાં આરોગ્યમ કુટુંબમ નામક યોજના શરૂ કરાઈ છે. તેમાં 15 વર્ષથી વધુની વયની વ્યક્તિઓ માટે હાઈપર ટેન્શન અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત બજેટમાં એક અન્ય પ્રણાલીની પણ ઘોષણા કરવામાં આવી હતી – ‘પેશન્ટ રીમાઈન્ડર’. તે અંતર્ગત બીએમસીના વોર્ડ રૂમના ડોક્ટરો દર્દીઓને ફોન કરીને પૂછશે કે તેઓ એમની દવા સમયસર લે છે કે નહીં.
વોર રૂમ ઉપરાંત બીએમસી વહીવટીતંત્રએ હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના ઘરના દ્વાર ખખડાવવાનું પણ નક્કી કર્યું છે. એ માટે આશા વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓની મદદ લેવામાં આવશે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર, મુંબઈમાં દર ચાર પૈકી એક વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરથી અને દર પાંચમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસ બીમારીથી પીડાય છે.