મુંબઈ – અહીંના આરે મિલ્ક કોલોની વિસ્તારના જંગલમાં મેટ્રો રેલવે લાઈન-3 (MML-3) માટે ટ્રેનોનું યાર્ડ બાંધવા માટે હજારો વૃક્ષ કાપવામાં આવ્યા છે એની સામે પર્યાવરણવાદીઓ અને જનતાનો પ્રચંડ વિરોધ થયો છે. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે મેટ્રો પ્રોજેક્ટ માટેનું કામકાજ રોકશે નહીં, પરંતુ મેટ્રો બાંધતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીએ નવા ઝાડ ઉગાડવા જ પડશે.
અહેવાલ અનુસાર, માળખાકીય વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારે રચેલી કંપની MMRDA તથા મેટ્રો લાઈન-3 બાંધી રહેલી કંપની મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCથ) નવા 51 હજારથી પણ વધુ ઝાડ ઉગાડ્યા છે.
MMRDA કંપનીનું કહેવું છે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે એક નવું જંગલ વિકસીત કરી રહ્યા છીએ. આ ગાઢ જંગલ મુંબઈથી 20 કિ.મી. દૂર થાણે જિલ્લાના શીલફાટા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. આ માટે મહારાષ્ટ્ર રાજ્યનો વન વિભાગ તેને સહયોગ કરી રહ્યો છે. આ નવા જંગલમાં 36 હેક્ટર જમીન પર 41,151 ઝાડ ઉગાડવામાં આવ્યા છે જ્યારે કલ્યાણના ટિટવાલા નગરમાં 10 હેક્ટર જમીન પર બીજા 10 હજાર ઝાડ ઉગાડવામાં આવી રહ્યા છે.
કંપનીનું કહેવું છે કે કોઈ પણ સ્થળે વિકાસ કાર્ય માટે અમુક ઝાડ કાપવા પડતા હોય છે. તેથી મુંબઈમાં વ્યાપક મેટ્રો રેલવે નેટવર્ક બનાવવું હોય અને એના સંચાલન માટે મેટ્રો ભવન બનાવવું હોય તો અમુક ઝાડ તો કાપવા પડે.
MMRDA કંપનીએ કહ્યું છે કે મેટ્રો યોજના કે અન્ય વિકાસલક્ષી યોજના માટે તે જો એક ઝાડ કાપશે તો એની સામે બીજા 10 ઝાડ ઉગાડશે.
તમામ ઝાડ બે વર્ષ માટે ઉગાડવામાં આવ્યા છે, એની 3 વર્ષ સુધી દેખરેખ પણ કરવામાં આવશે. પ્રત્યેક ઝાડની સંભાળ-દેખરેખ માટે અમુક ખર્ચ પણ ફાળવવામાં આવ્યો છે. પાંચેક વર્ષમાં ઝાડ ખાસ્સું એવું મોટું થઈ જાય છે. ત્યારબાદ એની દેખરેખની જરૂર પડતી નથી.
MMRDA સંસ્થા વિકાસકાર્યો માટે જે ઝાડ કાપવા પડશે એના કરતાં 10 ગણા વધારે ઝાડ ઉગાડી રહી છે. એમાં જાંબુ, લીમડો, શીશમ, પીપળ વગેરેનો સમાવેશ થાય છે.