‘મા-બાપ સગીર વયનાં સંતાનોને વાહન ચલાવવા ન દે’

નવી મુંબઈઃ અત્રેના વાશી શહેરમાં સબ-રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હેમાંગિની પાટીલે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ એમનાં સગીર વયનાં સંતાનોને વાહન ચલાવવા ન દે, કારણ કે તે ગેરકાયદેસર છે અને જોખમી પણ છે. પાટીલ ટ્રાન્સપોર્ટ વિભાગના ઉપક્રમે શરૂ કરાયેલી રોડ સુરક્ષા સપ્તાહ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત અત્રે એક મોટર ટ્રેનિંગ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે સગીર વયનાં લોકો વાહન હંકારે તો એ જોખમી બની શકે છે.

ઘણાં મા-બાપ એમનાં સંતાનોને વાહનો ચલાવવા દે છે. આ માત્ર જોખમી છે એટલું જ નહીં, કાયદાની વિરુદ્ધમાં પણ છે. ઊલટાનું, માતા-પિતાએ એમનાં સંતાનોને ટ્રાફિક નિયમોની યોગ્ય જાણકારી આપવી જોઈએ જેથી તેઓ જ્યારે વાહન ચલાવવા માટેની કાયદેસર વયે પહોંચે ત્યારે એક મોટરચાલક તરીકે એમની જવાબદારીને સમજી શકે.