મહારાષ્ટ્ર સરકાર દાઉદને સમર્પિત છેઃ ફડણવીસનો આરોપ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ મૂક્યો છે કે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની બનેલી મહાવિકાસ આઘાડી સરકાર ભાગેડૂ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમને સમર્પિત છે. દાઉદ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સનો મુખ્ય કાવતરાખોર છે. અહીં વિધાનભવન ઈમારતમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નેતા ફડણવીસે કહ્યું કે રાજ્યના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકને દાઉદ સાથે સંપર્ક હોવાના પર્યાપ્ત દસ્તાવેજી પૂરાવા છે.

મલિકની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવાઈ

દરમિયાન, રાજ્યના અલ્પસંખ્યકોની બાબતોના ખાતાના પ્રધાન નવાબ મલિકને 7 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો સ્થાનિક કોર્ટે આજે હૂકમ આપ્યો છે. મલિકની ઈડી કસ્ટડીની મુદત આજે પૂરી થઈ હતી. ઈડી અધિકારીઓએ મલિકને કોર્ટમાં હાજર કર્યા હતા. મુંબઈના કુર્લામાં દાઉદની પ્રોપર્ટીઓની ખરીદી કરવાના સોદાના સંબંધમાં મની લોન્ડરિંગના કેસના સંબંધમાં મલિકની ધરપકડ કરવામાં આવી છે.