માર્ચના આરંભે સમસ્યાઃ પાણીપુરવઠામાં 15% કાપ

મુંબઈઃ હજી તો માર્ચ મહિનો શરૂ થયો છે ત્યાં મુંબઈવાસીઓને પાણીની સમસ્યા નડવાનું શરૂ થઈ ગયું છે. તળ મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં પાણી પુરવઠામાં 15 ટકા કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈને પાણી પૂરું પાડતા ભાતસા વિદ્યુત કેન્દ્રમાં ટેક્નિકલ ખામી ઊભી થતાં પાણી પુરવઠા પર કાપ મૂકવો પડ્યો છે. ટેકનિકલ ખામી દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. એમાં અમુક દિવસો લાગશે. મુંબઈ શહેર ભાતસા ડેમમાંથી દરરોજ આશરે બે હજાર મિલિયન લિટર પાણીનો વપરાશ કરે છે.

1983માં બાંધવામાં આવેલો ભાતસા ડેમ મુંબઈથી 105 કિ.મી. દૂર, પડોશના થાણે જિલ્લાના શાહપુરમાં આવેલો છે. તે ભાત્સા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમમાંથી મુંબઈ અને થાણે શહેરોને પાણી પૂરું પાડવામાં આવે છે. મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમમાંનો એક ભાતસા છે. શહેરની વાર્ષિક 40 ટકા પાણીની જરૂરિયાત ભાતસા ડેમ પૂરી પાડે છે.