મુંબઈ – ફ્લાઈટમાં દરેક જાહેરાત/ઘોષણાને અંતે ‘જય હિંદ’ બોલવાનું એર ઈન્ડિયાએ એનાં ક્રૂ સભ્યો માટે ફરજિયાત બનાવ્યું છે.
એર ઈન્ડિયાએ આ પ્રમાણેની સત્તાવાર સૂચના ગયા સોમવારે એના સ્ટાફને આપી હતી.
એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ, અમિતાભ સિંહે આ સૂચના આપી છે અને એનો અમલ તાત્કાલિક રીતે કરવાનું કહ્યું છે. સૂચનામાં જણાવાયું છે કે દરેક ક્રૂ મેમ્બરે દરેક જાહેરાતને અંતે સહેજ અટકીને અને ઉત્સાહપૂર્વક ‘જય હિંદ’ બોલવું.
2016માં પણ એર ઈન્ડિયાએ એના પાઈલટ્સ માટે આ જ પ્રકારનો આદેશ ઈસ્યૂ કર્યો હતો. એ વખતે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વનિ લોહાની હતા.
હાલની સૂચના પાછળનો ઉદ્દેશ્ય ‘મૂડ ઓફ ધ નેશન’ નારા સાથે સ્ટાફને સાંકળવાનો છે, એમ એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું છે.
2016ના મે મહિનામાં, લોહાનીએ એક સંદેશામાં જણાવ્યું હતું કે, દરેક ફ્લાઈટના કેપ્ટને સફર દરમિયાન પ્રવાસીઓ સાથે કનેક્ટેડ રહેવું અને પહેલા સંબોધનને અંતે દેશભક્તિ દર્શાવતા શબ્દો ‘જય હિંદ’ ઉચ્ચારવા. એની જોરદાર અસર ઊભી થશે.