વિરાર-ચર્ચગેટ એસી લોકલનું એસી બંધ થઈ જતાં પ્રવાસીઓ પરેશાન

મુંબઈઃ આજે સવારે વિરારથી ચર્ચગેટ તરફ જતી પશ્ચિમ રેલવેની એક એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. ટ્રેન દોડી રહી હતી તે છતાં એનો એક બાજુનો દરવાજો ખુલ્લો જ રહેતો હતો. વધુમાં ટ્રેનની અંદર એરકન્ડિશનિંગ સિસ્ટમ પણ કામ કરતી નહોતી. આ બનાવ વિશે અનેક પ્રવાસીઓએ ટ્વિટર ઉપર ફરિયાદ કરી છે.

(ફાઈલ તસવીર)

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે, સ્લો લાઈન પર દોડતી ટ્રેન સવારે 9.02 વાગ્યે મીરા રોડ સ્ટેશને પહોંચી હતી ત્યારે એમાં ઠંડકની સમસ્યા હોવાને લીધે કોઈકે એલાર્મ ચેન ખેંચી હતી. પરિણામે તે ટ્રેનને ખુલ્લા દરવાજાઓ સાથે દોડાવવી પડી હતી. સંબંધિત સ્ટાફે તરત જ એસી ચેક કરી તેની ખામી દૂર કરી હતી. ટ્રેન મહાલક્ષ્મી સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા અને એરકન્ડિશનિંગ સિસ્ટમ પણ પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી. એસી લોકલ ટ્રેનની મોટરમાં સમસ્યા ઊભી થવાને કારણે કેટલીક એસી ટ્રેનોને નોન-એસીમાં ફેરવી દેવાની સત્તાવાળાઓને પડી છે.