મુંબઈ – મુંબઈ હાઈકોર્ટના આદેશને પગલે મુંબઈના ઉપનગરીય સ્ટેશનો પર ઈમરજન્સી મેડિકલ રૂમ્સ (EMR) તૈયાર કરવામાં આવશે. આમાં, મધ્ય રેલવે વિભાગ પર 47 અને પશ્ચિમ રેલવે વિભાગ પરના 26 સ્ટેશનો પર આવા મેડિકલ રૂમ્સ તૈયાર કરવામાં આવશે.
આ મેડિકલ રૂમ્સ પ્લેટફોર્મ પર હશે. રેલવે અકસ્માતમાં ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં મોકલતા પહેલાં આ રૂમ્સમાં તાકીદની સારવાર આપવામાં આવશે.
મધ્ય રેલવે વિભાગ પર મુંબઈ સીએમએસટી સહિત મેઈન તથા હાર્બર લાઈનના 47 સ્ટેશનો પર આ રૂમ્સ તૈયાર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવે વિભાગ પર 26 સ્ટેશનો પર રૂમ્સ બનાવવામાં આવશે. આ વિભાગ પર 19 સ્ટેશનો પર તો આવા રૂમ્સ મોજૂદ પણ છે અને તે ઘણા જ સહાયરૂપ સાબિત થયા છે. અકસ્માતોમાં ભોગ બનતી વ્યક્તિઓને ત્વરિત સારવાર-સહાયતા મળવાથી રેલવે અકસ્માતોથી થતા મરણની સંખ્યા ઘટી ગઈ છે અને લોકોને રાહત મળી છે.
હાલ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, બાન્દ્રા, અંધેરી, ગોરેગાંવ, કાંદિવલી, બોરીવલી, વસઈ રોડ, વિરાર, પાલઘર સ્ટેશનો પર જ્યારે મધ્ય રેલવે વિભાગ પર થાણે, માનખુર્દ અને ટિટવાલા સ્ટેશનો પર EMR રૂમ્સ ઉપલબ્ધ છે.
મુંબઈ હાઈકોર્ટના એક આદેશને પગલે ઈમરજન્સી મેડિકલ રૂમ્સની સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે. સમીર ઝવેરી નામના એક રેલવે કાર્યકર્તાએ ગયા માર્ચ મહિનામાં નોંધાવેલી એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે કોર્ટે રેલવે વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે મધ્ય અને પશ્ચિમ, બંને વિભાગ પર તમામ સ્ટેશનો પર તાકીદના તબીબી સહાયતા રૂમ્સ હોવા જ જોઈએ.
મધ્ય રેલવેએ ગયા એપ્રિલમાં અમુક EMR તથા એક ખાનગી કંપની દ્વારા સંચાલિત 1-રૂપિયામાં તબીબી સારવારવાળા રૂપી-1 ક્લિનિક બંધ કરી દીધા હતા, કારણ કે તેઓ નિયમોનું પાલન કરતા નહોતા. હવે રેલવેએ 24 સ્ટેશનો પર EMR બાંધવા માટે ટેન્ડર બહાર પાડી દીધા છે.
આ EMRsમાં શું વ્યવસ્થા હશે?
આ ઈમરજન્સી મેડિકલ રૂમ્સમાં તમામ જીવનરક્ષક દવાઓ તથા સામગ્રી હોય છે, જેમ કે ઈસીજી મશીન્સ, એમ્બ્યુ બેગ્સ, પલ્સ-ઓક્ઝીમીટર, ઓક્સિજન સિલીન્ડર્સ, રીક્લાઈનિંગ પથારીઓ, સ્ટ્રેચર્સ અને વ્હીલચેર્સ.
એક નાનકડી ફાર્મસી પણ હોય છે જેમાંથી દવાઓ મળી શકે.
ઘાયલ પ્રવાસીઓના છૂટા પડી ગયેલા અંગ કે શરીરના ભાગોને વ્યવસ્થિત રીતે સંભાળવાની પણ
EMR પ્રોવાઈડરની રહેશે.
દરેક EMRમાં ડોક્ટરોની સહાયતા માટે બે તાલીમી પેરામેડિકલ સ્ટાફ રહેશે.