‘ચિત્રલેખા’ પ્રસ્તુત ‘નંદોત્સવ પંચામૃત’ની અનોખી ઉજવણી

ખુદકો ખોયા… તુઝકો પાયા, શ્રી વલ્લભ કો મૈં ઐસે રિઝાઉં

મુંબઈ – આપણા હિંદુ ધર્મમાં તેત્રીસ કોટિ દેવી-દેવતા, ભગવાનોની પૂજા-અર્ચના થાય પણ એ બધામાં જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણની વાત જ નોખી. વિવિધ ભગવાનના જન્મદિવસની ઉજવણી થાય પણ કૃષ્ણજન્મ બધાથી અનોખો. ભારતભરમાં કૃષ્ણજન્મનું અદકેરું મહત્ત્વ છે.

જન્માષ્ટમીની સાથે સાથે દહીંહંડીની જુસ્સાભેર ઉજવણી થાય છે.

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દહીંહંડીનું મહત્ત્વ હોય છે. બીજી તરફ, ઉત્તરનાં રાજ્યોમાં કૃષ્ણજન્મના બીજા દિવસે નંદોત્સવનું ખૂબ મહત્ત્વ છે.

ત્રણ સપ્ટેમ્બર, સોમવારે જન્માષ્ટમી હતી. એના બીજા દિવસે એટલે કે મંગળવાર, ચાર સપ્ટેમ્બરે મુંબઈમાં પણ ખૂબ મોટા પાયે નંદોત્સવની ઉજવણી થઈ, જેને મુંબઈગરા આવતા વરસની જન્માષ્ટમી સુધી યાદ રાખે એટલી ભવ્ય રીતે નંદોત્સવની ઉજવણી થઈ. આ નંદોત્સવને મુંબઈગરા સમક્ષ પ્રસ્તુત કર્યો ‘ચિત્રલેખા’ પરિવારે. સ્થળ હતું ભારતીય વિદ્યાભવન, ચોપાટી.

જાહ્ન્વી શ્રીમાંકર અને પ્રહર વોરા જેવાં યુવાન ગાયિકા-ગાયક દ્વારા શ્રીકૃષ્ણજન્મ નિમિત્તે આ નંદોત્સવની મધુર કંઠે ઉજવણી થઈ. રૂપા બાવરી રચિત શ્રીનાથજીનાં મંગળાથી શયન સુધીનાં પદોની, શબ્દરચનાની બન્ને યુવા ગાયકોએ સુંદર રીતે એક પછી એક રજૂઆત કરી. અહીં મંચની અંદર જાણે એક મંદિર હતું. મંગળા પછી શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન… દરેક દર્શનગીત-રચના પછી પડદો પડે ને ફરી વાર રૂપા ‘બાવરી’નાં ચિત્રજી અલગ અલગ સ્વરૂપે રજૂ થાય. શ્રીનાથજીનાં વિવિધ સ્વરૂપ સ્ટેજ પર રજૂ થાય અને પ્રેક્ષકો પણ નતમસ્તક થતા જાય.

આ મંચસજ્જા-કાર્યક્રમની પરિકલ્પના લાલુભાઈએ કરી હતી.

નંદોત્સવ કાર્યક્રમની સાથે સાથે જાણીતા કવિ-સંચાલક અંકિત ત્રિવેદીએ ભાવસભર શૈલીમાં બાળગોપાળ-શ્રીકૃષ્ણ ભગવાનનાં જીવન-કવન વિશે રસાસ્વાદ કરાવ્યો.

નંદોત્સવમાં ઉપસ્થિત રહેલા ‘તારક મ્હેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ ફેમ દિલીપ જોશીએ કહ્યું કે, ‘મારા સૌથી ફેવરીટ ભગવાન કૃષ્ણ છે. અમીર હોય કે ગરીબ, સમાજના તમામ વર્ગના લોકોને શ્રીકૃષ્ણ પોતાના લાગે.’

રૂપા બાવરીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ચિત્રજી અને શ્રીનાથજીનાં પદો એ મને મળેલો પ્રસાદ છે. મેં એ વહેંચ્યો છે. જાહ્ન્વી અને પ્રહર વોરાએ (ગાયકના સ્વરૂપમાં) એ ગ્રહણ કર્યો એનો આનંદ છે.’

કાર્યક્રમના અંતે ‘જય શ્રીકૃષ્ણ’ કહીને છૂટા પડતાં પહેલાં સંચાલકથી પ્રેક્ષકો સુધી સૌકોઈ નંદોત્સવ માટે ‘ચિત્રલેખા’ પરિવારની પહેલને બિરદાવતા હતા. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ પરિવારની ચાર પેઢીનાં સભ્ય મધુરીબહેન કોટક, મૌલિક કોટક, મનન કોટક અને તનાયા કોટક હાજર રહ્યાં હતાં.

અહેવાલઃ દેવાંશુ દેસાઈ

તસવીરોઃ દીપક ધુરી

‘નંદોત્સવ’માં અભિનેતા દિલીપ જોશીના હસ્તે કૃષ્ણજન્મ થયો એ અવસરે લાલુભાઈ, રૂપા ‘બાવરી’, ‘ચિત્રલેખા’ના મૌલિક કોટક, મનન કોટક અને અંકિત ત્રિવેદી હાજર હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]