શ્રદ્ધા વાલ્કરનાં પિતાએ વસઈ પોલીસની ઝાટકણી કાઢી

મુંબઈઃ જેની ક્રૂરતાભરી હત્યા અને એનાં મૃતદેહનાં 35 ટૂકડા કરીને ફેંકી દેવાની ભયાનક ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે તે વસઈ શહેરની રહેવાસી યુવતી શ્રદ્ધા વાલ્કરનાં પિતા વિકાસ વાલ્કરે વસઈની પોલીસની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે જો પોલીસે સમયસર પગલું ભર્યું હોત તો એમની દીકરી આજે જીવતી હોત.

શ્રદ્ધાની હત્યા એનાં પ્રેમી આફતાબ પૂનાવાલાએ છ મહિના પહેલાં દિલ્હીમાં કરી હતી. બાદમાં એણે મૃતદેહનાં 35 ટૂકડા કરીને ફ્રીઝમાં મૂકી રાખ્યા હતા અને થોડા-થોડા કરીને દિલ્હીના જંગલ કે તળાવ જેવા વિસ્તારોમાં ફેંક્યા હતા. 28 વર્ષના આફતાબની ગયા મહિનાના આરંભમાં ધરપકડ કરવામાં આવી હતી. એણે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે એણે શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબને હાલ દિલ્હીની તિહાર જેલમાં પૂરવામાં આવ્યો છે.

વિકાસ વાલ્કરે આજે મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. એમની સાથે ભાજપના નેતા કિરીટ સોમૈયા પણ હતા. વિકાસ વાલ્કરે કહ્યું કે, દિલ્હી અને વસઈ પોલીસની સહિયારી તપાસ સાચી દિશામાં જઈ રહી છે. તે છતાં, શ્રદ્ધાએ ફરિયાદ નોંધાવ્યા બાદ જો વસઈ પોલીસ અને નાલાસોપારા પોલીસે તપાસ યોગ્ય રીતે કરી હોત તો મારી દીકરી જીવતી રહી શકી હોત. શ્રદ્ધાની ફરિયાદ ઉપર પગલું ભરવામાં વિલંબ કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ યોજવામાં આવે એવી માગણી વિકાસ વાલ્કરે કરી છે.

આફતાબ પૂનાવાલાને કડક સજા કરવી જોઈએ અને આ કેસમાં એના પરિવારજનો, ભાઈ કે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. ચોક્કસ પ્રકારની મોબાઈલ એપ્સ (ડેટિંગ) સમાજમાં સમસ્યાઓ પેદા કરે છે અને તેમની પર નિયંત્રણો લાદવા જોઈએ, એવી માગણી પણ વિકાસ વાલ્કરે કરી છે.