મુંબઈમાં એસી લોકલના નકલી પાસનું કૌભાંડ પકડાયું

મુંબઈઃ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર ચર્ચગેટથી વિરાર વચ્ચે અનેક એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તે માટેના નકલી માસિક પાસ ઈશ્યૂ કરવાનું એક કૌભાંડ પકડાયું છે. પડોશના પાલઘર જિલ્લાના વિરાર શહેરમાં મોબાઈલ ફોનની એક દુકાનમાંથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

રેલવેએ ગઈ પાંચ જાન્યુઆરીએ ચર્ચગેટ-વિરાર વચ્ચે સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. એક ટ્રેનમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરો અબ્દુલ અઝીઝ તથા સી.ડી. પરમાર અને ડેપ્યૂટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર ઝાહીદ કુરેશીએ નારાયણ કુમાર નામના એક જણનો પાસ ચેક કર્યો હતો. 28 વર્ષનો તે માણસ નકલી એસી પાસ (સીઝન ટિકિટ) પર પ્રવાસ કરતો હોવાનું ટિકિટ ચેકરોને માલૂમ પડ્યું હતું.

એણે પ્લાસ્ટિક ફોલ્ડરમાં પોતાનો માસિક પાસ લેમિનેટ કરાવ્યો હતો. એને પ્લાસ્ટિકના ફોલ્ડરમાંથી પાસ બહાર કાઢીને બતાવવા કહેવાયું ત્યારે એ બહાના બતાવવા લાગ્યો હતો. એટલે ટિકિટ ચેકરોએ વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. પ્રાથમિક તપાસમાં તે શખ્સનો પાસ નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તે શખ્સે કબૂલ કર્યું હતું કે તે નકલી પાસ છે. એણે તે વિરાર વેસ્ટમાં એક મોબાઈલ રીચાર્જ દુકાનમાંથી 600 રૂપિયામાં તે પાસ મેળવ્યો હતો. જ્યારે આ પાસની કિંમત રૂ. 2,205 છે.

તે શખ્સને અંધેરી સ્ટેશન ખાતે ગવર્મેન્ટ રેલવે પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસે આઈપીસીની છેતરપીંડી, બનાવટ જેવી સંબંધિત કલમો હેઠળ એની સામે ગુનો નોંધ્યો છે. કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. રેલવે સત્તાવાળાઓએ એસી લોકલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનાર લોકો પાસેથી દંડ રૂપે અત્યાર સુધીમાં રૂ. 137 કરોડ વસૂલ કર્યા છે.