મુંબઈઃ શહેરના મધ્ય ભાગમાં આવેલી ધારાવી ઝૂંપડપટ્ટી એશિયા ખંડનો સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. આ વિસ્તારનું રીડેવલપમેન્ટ આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને હાઉસિંગ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી છે કે રીડેવપલમેન્ટ કામકાજનો ઝડપી અમલ કરવામાં આવશે. ફડણવીસે આ મહિનાના આરંભમાં જ આ યોજનાની સમીક્ષા કરી હતી.
સૂચિત ધારાવી પુનર્વિકાસ યોજના આશરે રૂ. 28,000 કરોડની છે. હોંગ કોંગની તાઈ હાંગ ઝૂંપડપટ્ટીની જેમ ધારાવીનો વિકાસ કરવાની યોજના ઘડવામાં આવી છે. પરંતુ, યોજના કોઈ પણ પ્રકારના અમલ વગર છેલ્લા 16 વર્ષથી અટકેલી છે. રેલવે મંત્રાલયે પુનર્વિકાસ યોજના માટે પોતાની જમીન સુપરત કરવાનો ઈનકાર કરતાં યોજનાનો અમલ શરૂ કરી શકાયો નથી. રીડેવલપમેન્ટ યોજનાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે દુબઈની સેકલિન્ક ટેક્નોલોજીઝ કોર્પોરેશન કંપનીએ સૌથી મોટી – રૂ. 7,500 કરોડની બોલી લગાવી છે. અદાણી ગ્રુપ રૂ. 4,529 કરોડ સાથે બીજા નંબરે છે. પશ્ચિમ રેલવેના બાન્દ્રા (પૂર્વ) અને માહિમ (પૂર્વ) ઉપનગરો વચ્ચે આવેલી ધારાવી ઝૂંપડપટ્ટી 2.1 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પ્રસરેલી છે. તેમાં અત્યંત ગીચ અને ગરીબ પરિસ્થિતિમાં આશરે 10 લાખ લોકો રહે છે. આ ઝૂંપડપટ્ટીની સ્થાપના 1884માં બ્રિટિશ શાસન વખતે કરવામાં આવી હતી.